સુરેન્દ્રનગર : 22 એપ્રિલ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને બેંકો, ખેતીવાડી ખાતા, પશુપાલન ખાતા તથા ફિશરીજ ખાતાના અધિકારી ઓ સાથે ગત તા. ૨૦.૦૪.૨૦૨૨ ના રોજ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી કે. સી. સંપટે ઉપસ્થિત તમામ બેન્ક અધિકારી ઓને કેસીસીના લાભાર્થીઓને આ યોજનાનો લાભ સમયમર્યાદામાં મળે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ તેમણે ગ્રામસભાના માધ્યમથી યોજનાનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તમામ લાભાર્થીઓને પી.એમ.જે.જે.બી.વાય. અને પી.એમ.એસ.બી.વાય. યોજનામાં આવરી લેવા જણાવ્યું હતું.
ઉપરાંત ડીડીએમ નાબાર્ડ શ્રી અરાસુ બર્નાબાસએ જણાવ્યું હતું કે, કેસીસી નો લાભ બેન્કો દ્વારા સરળતાથી અને ત્વરિત આપવામાં આવશે. પી.એમ. કિસાન યોજનાના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઈ રહ્યા છે તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની શાખાનો સંપર્ક કરી શકે છે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનુ સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી કેન્દ્ર પરથી મળશે. તા. ૨૪ એપ્રિલ થી ૧ મે સુધીમાં આ યોજનાના તમામ લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવા તેઓશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં લીડ બેન્ક મેનેજરશ્રી અમિત બી. પરમાર એ યોજનાની વિગતો જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ. કિસાન યોજનાના જે લાભાર્થીઓએ કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) યોજનાનો લાભ ના લીધેલ હોય તેના માટે છે. મત્સ્યોદ્યોગ તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. 3 લાખ સુધીની લોન માટે વ્યાજ દર ૭ ટકા રહેશે. જો આ લોન ૩૬૫ દિવસની અંદર ભરપાઈ કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવશે. જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઈ નહીં કરવામાં આવે તો બેન્કના નિયમ મુજબનો વ્યાજદર રહેશે.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી, પશુપાલન, મત્સ્યોદ્યોગ તથા બેન્કોના અધિકારીશ્રીઓ-પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.