વેરાવળ : 4 ફેબ્રુઆરી
સોમનાથ ટ્રસ્ટ દ્રારા ડીજીટલના માઘ્યમથી શિવભકતો ઘરબેઠા દર્શન-પૂજા કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાયેલ છે
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યટયુબ, ટવીટર જેવા સોશીયલ માઘ્યમો ઉપર સોમનાથ ટ્રસ્ટના ઓફીશયલ પેઇજ પર દરરોજ સવાર-સાંજ શણગારના ફોટા અને આરતીના વિડીયો મુકવામાં આવે
દર મહિને છ કરોડ અને વર્ષે 72 કરોડથી વઘુ ભાવિકો સોમનાથ મહાદેવના ડીજીટલી દર્શનનો લ્હાવો લઇ રહયા છે.
પ્રથમ જયોતિસ્લીંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્રારા ભાવિકો ઘરબેઠા મહાદેવની ભકિત અને દર્શન કરી શકે તે માટે ઘણા સમયથી ડીજીટલ પ્લેટફોર્મ માઘ્યમ શરૂ કર્યુ હતુ. જેનો દેશ- વિદેશમાં વસતા કરોડો ભાવિકો લાભ પણ લઇ રહયા છે. ત્યારે સોશીયલ મિડીયા સાઇટ યુ-ટયુબ પર સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિશીયલ “સોમનાથ ટેમ્પલ” યુ-ટયુબ ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર થતા યુ-ટયુબ કંપની દ્વારા મંદિર ટ્રસ્ટને સિલ્વર ક્રિયેટર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક એવા પ્રથમ જયોતિલીંગ સોમનાથ મંદિરનું ટ્રસ્ટ ડીજીટલ ટેકનોલોજી અપનાવાની બાબતમાં પણ અગ્રેસર રહ્યુ છે. મંદિર ટ્રસ્ટના ચેરમેન પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ટ્રસ્ટીઓ અમીત શાહ, પી.કે.લ્હેરી સહિતનાના માર્ગદર્શન હેઠળ દેશ-વિદેશમાં વસતા મહાદેવના કરોડો ભકતો ઘરબેઠા દર્શન-પૂજાનો લ્હાવો લઇ શકે તેવી વ્યવસ્થા ડીજીટલ પ્લેટફોર્મના માઘ્યમથી ઉભી કરી કાર્યરત કરવામાં આવી છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટયુબ, ટવીટર, ટેલીગ્રામ જેવી સોશીયલ મિડીયાની સાઇટો પર સોમનાથ મંદિર ટ્રસ્ટનું ઓફીશયલી એકાઉન્ટ-ચેનલ કાર્યરત કરી તેમાં દરરોજ સવાર-સાંજના સોમનાથ મહાદેવના શણગારના ફોટા-વિડીયો મુકવામાં આવે છે. જેનો કરોડો ભાવિકો ઘરબેઠા લ્હાવો લઇ રહયા છે. જેમાં સોમનાથ ટ્રસ્ટની યુ-ટયુબ ચેનલ “સોમનાથ ટેમ્પલ” માં 1 લાખ જેટલા સબસ્ક્રાઇબર થઇ ગયા છે. જે બદલ યુ-ટયુબ કંપની દ્રારા સોમનાથ મંદિર ટ્રસ્ટને “સિલ્વર ક્રિયેટર્સ એવોર્ડ” એનાયત કરવામાં આવેલ છે. દેશ-વિદેશમાં રહેતા ભકતો દ્રારા સોમનાથ મંદિરની યુ-ટયુબ ચેનલના માધ્યમથી મંદિરમાં થતા દરરોજના દર્શન-આરતી તથા વિવિધ કાર્યક્રમોનો લાભ લઇ રહયા છે.
કોરોનાના લોકડાઉન સમયે ડીજીટલ માઘ્યમનો વ્યાપ વઘારેલ
અત્રે નોંઘનીય છે કે, કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરના લોકડાઉનના સમયગાળા દરમ્યાન લોકો ઘરમાં પુરાવા મજબુર થયા હતા. એવા સમયે મંદિરોના દરવાજા પણ ભાવિકો માટે બંઘ હતા. એ સમયે જરૂરીયાત મુજબ સોમનાથ ટ્રસ્ટ દ્રારા પોતાની ડીજીટલ સેવાનો વ્યાપ વઘારી લોકો ઘરબેઠા જ મહાદેવની ભકિત અને દર્શન કરી શકે તે માટે દરરોજ ત્રણ ટાઇમની આરતી અને શણગારના ફોટા સોશીયલ મિડીયામાં ઓફીશયલી પેજ પર મુકવામાં આવતા હતા. આ ઉપરાંત ઘરબેઠા સોમનાથ મહાદેવની પૂજાવિઘિ કરી શકે તે માટે ઇ-પૂજા સેવા શરૂ કરી ભાવિકોને વિડીયો કોલીગના માધયમથી સંકલ્પ કરાવી મહાદેવની પૂજા પણ કરાવવામાં આવી હતી. જેનો પણ બ્હોળી સંખ્યામાં શિવભકતોએ લ્હાવો લીઘો હતો.
મહિને 6 અને વર્ષે 72 કરોડ ભાવિકો ઘરબેઠા દર્શનનો લ્હાવો લઇ રહયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે મંદિરે આવતા દર્શનાર્થી ભાવિકોની સંખ્યા ઘટી છે તો સોશીયલ મિડીયામાં સોમનાથના ઓફીશયલ પેઇજ પર ભાવિકોને નોંઘપાત્ર વઘારો જોવા મળેલ છે. સોમનાથ ટ્રસ્ટના સુત્રોના મત મુજબ દર મહિને સોશીયલ મિડીયાના માઘ્યમ થકી 6 કરોડથી વઘુ દેશ-વિદેશમાં રહેતા ભાવિકો ઘરબેઠા દર્શન-આરતીનો લ્હાવો લઇ રહયા છે. જે મુજબ દર વર્ષે 72 કરોડથી વઘુ ભાવિકો સોમનાથ મહાદેવના ઇ-દર્શન કરી ઘન્યતા પ્રાપ્ત કરી રહયા છે. ગત વર્ષે ઓગષ્ટ મહિનમાં શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ ટ્રસ્ટના ઓફીશયલી પેજ પર મુકવામાં આવતા શણગારના ફોટા અને આરતીના વિડીયોના દર્શનનો 45 દેશોમાં રહેતા 7.47 કરોડ જેટલા ભાવિકોએ ઘરબેઠા લાભ લીઘો હતો.જેમાં ફેસબુક પેજ પરથી 2.72 કરોડ, ઇન્સ્ટાગ્રામ પરથી 1.64 કરોડ, યુ-ટયુબ ચેનલ પર 2.22 કરોડ, ટવીટર 87 હજાર ભાવિકોએ દર્શનનો લ્હાવો લીઘો હતો.