સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરી
કોરોના મહામારીના સમયમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે હાથ ધરાયેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા અર્થે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રીએ જિલ્લામાં કોરોના મહામારીના એક્ટિવ કેસો અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા કોવિડ ટેસ્ટિંગ, કોરોના સંક્રમિત દર્દીઓને કોરેન્ટાઇન કરવા, હોમ આઇસોલેશન તેમજ વેન્ટિલેટર અને જિલ્લાની હોસ્પિટલમાં કોવિડ બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨૬ ધનવંતરી રથ જરૂરી સાધનસામગ્રી અને દવાના જથ્થા સાથે શરૂ કરવામાં આવેલ છે, આ ધનવંતરી રથ દ્વારા એન્ટીજન ટેસ્ટિંગની સુવિધા અને દર્દીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. તેમજ જિલ્લામાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ અને સંક્રમિત લોકો માટે જિલ્લા પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સાથે કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ સહિતની આરોગ્યલ સુવિધાઓની વિસ્તૃત વિગતો આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેકટર એ.કે. ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી કે. સી. સંપત, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા અગ્રણી જગદીશભાઈ મકવાણા, પ્રાંત અધિકારીઅનિલ કુમાર ગોસ્વામી, સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.