સુરેન્દ્રનગર : 26 ફેબ્રુઆરી
ગરીબ કલ્યાણ મેળાનો આશય વ્યક્તિગત યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડીને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે – જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ
સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને વઢવાણ મંગલ ભુવન ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજના અંતર્ગત જિલ્લાના ૫૪ હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા ૧૯૬ કરોડથી વધુના લાભોથી લાભાન્વિત કરાયા હતા.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાનો આશય વ્યક્તિગત યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી એક જ જગ્યાએ સરળતાથી પહોંચાડીને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત વચેટિયા પ્રથાની નાબુદી, લાભાર્થીઓને સહાયનું વિતરણ, પારદર્શિતા સાથેની કાર્યપધ્ધતિ તેમજ વિવિધ યોજનાઓની માહિતી અને સમજ પૂરી પાડવી જેવા હેતુઓ આ ગરીબ કલ્યાણ મેળા થકી પ્રાપ્ત કરી શકાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯-૧૦ થી રાજ્યના ગરીબ તેમજ અંતરિયાળ વિસ્તારના સરકારી યોજનાના લાભથી વંચિત લાભાર્થીઓને યોજનાનો પૂરેપૂરો સીધો લાભ સરળતાથી મળી રહે એવા શુભ આશયથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં કુલ ૧૧ તબક્કામાં ૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧.૪૭ કરોડ લાભાર્થીઓને ૨૬ હજાર કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
આ ગરીબ કલ્યાણ મેળાઓ થકી જિલ્લા કક્ષાએ વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા માટેની ખાસ વ્યવસ્થા ઊભી થઈ છે. તેમ જણાવી મંત્રી એ ઉમેર્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને અધિકારીની હાજરીમાં રૂબરૂ પૂરેપૂરી ગુણવત્તાયુક્ત સહાય આપવામાં આવે છે, અને લાભાર્થી અન્ય યોજનાની જાણકારી પણ મેળવી શકે છે.
આ તકે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય, મંજૂરી હુકમો અને સહાય ચેકનું વિતરણ કરાયુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.સી. સંપટે સ્વાગત પ્રવચન કર્યું હતું અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી નસીમ મોદને આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પાંચાણી, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સાબરીયા, અગ્રણીઓ સર્વ જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ વેગડ, વર્ષાબેન દોશી, ધનરાજભાઇ કૈલા, મહેશભાઇ મકવાણા, અનિરુદ્ધસિંહ પઢીયાર, અધિક નિવાસી કલેકટર એન. ડી. ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એ.ભગલાણી તેમજ જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.