સુરેન્દ્રનગર : 28 ફેબ્રુઆરી
સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીના બનાવોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. બાઈક ચોરોને ઝડપી પાડવા LCB PI એમ.ડી.ચૌધરીની સૂચનાને ધ્યાને રાખીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જિલ્લામાં પેટ્રોલીંગ કામગીરી તેજ કરી દીધી હતી. ચોરીના ગુનાઓની જગ્યાએ તપાસ અને CCTV ફૂટેજમાં શકમંદોની ઓળખ કરી લીંબડી કોલેજ સામે મારૂતિ સોસાયટીમાં શેરી નંબર-5માં રહેતો શકિત ભીખુભા ગોહીલ બાઈક ચોરીમાં સામેલ હોવાની અને હાલ તે ઘરે હાજર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીવાળા સ્થળે LCB ટીમે પૂરતી તૈયારી સાથે આરોપીના રહેણાંકના મકાનમાં છાપો મારી શકિત ગોહીલને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા ચોર પાસેથી 2 ચોરી કરેલા બાઈક જપ્ત કરવામાં આવ્યા હતા. એલસીબી PSI વી.આર.જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, અનિરુદ્ધસિંહ ખેર સહિતે પુછતાછ કરતા શકિત ગોહિલે કબૂલ કર્યું હતું કે થોડા દિવસો પહેલા બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા યોગેશ રાજેશભાઈ મેટાલીયાને સાથે મળીને મોટરસાયકલની ચોરી કરતા હતા. બાઈક ચોરીને અલગ-અલગ લોકોને વેંચી દીધાં હોવાની પણ કબૂલાત કરી હતી.