Home ગોધરા માહિતી માંગવા આવનાર અરજદારને ભાજપના આગેવાને લાફા ઝીંકી દેતા વિવાદ

માહિતી માંગવા આવનાર અરજદારને ભાજપના આગેવાને લાફા ઝીંકી દેતા વિવાદ

187
0
ગોધરા : 8 માર્ચ

હાલોલ તાલુકા પંચાયત કચેરીમાં માહિતી માંગવા આવનાર અરજદારને તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ભાજપના આગેવાને લાફા ઝીંકી દેતા વિવાદ સર્જાયો છે. માહિતી માંગ્યા બાદ માહિતી ન મળી આવતા અપીલ કરનાર અરજદારને તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં જ લાફા ઝીંકી અને ભાજપના અગ્રણીએ તાલુકા પંચાયત કચેરીમાંથી હાંકી કાઢતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.

હાલોલ તાલુકામાં આવેલી કાંકરા ડુંગરી ગ્રામ પંચાયતની માહિતી માંગવા માટે ગામમાં જ રહેતા ગૌતમ પરમાર દ્વારા માહિતી માંગતી અરજી કરવમાં આવી હતી.. ગ્રામ પંચાયત દ્વારા માહિતી આપવામાં ન આવતા અરજદાર ગૌતમ પરમાર દ્વારા હાલોલ તાલુકા પંચાયતમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણીની મુદત વીતી ગયા બાદ અરજદારને હાજર રહેવાની નોટિસ મળી હતી. જેથી ગૌતમ પરમાર હાલોલ તાલુકા વિકાસ અધિકારી પાસે નવી મુદત લેવા માટે રૂબરૂ આવ્યો હતો. તે સમયે હાલોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ પરમાર પણ ટીડીઓ કચેરીમાં બેઠા હતા. જેઓએ ગૌતમ પરમારને ટીડીઓની ચેમ્બરમાં જોતા તેને આરટીઆઈ કરવા બાબતે ધમકાવી અને લાફા ઝીંકી દીધા હતા. ટીડીઓની હાજરીમાં તેઓની ચેમ્બરમાં જ અરજદારને લાફા ઝીંકીને હાંકી કાઢવાનું ઓડીઓ રેકોર્ડિંગ પણ વાઇરલ થયું હતું. ગૌતમ પરમારને લાફા મારી ટીડીઓ કચેરીમાંથી હાંકી કાઢવામાં આવતા આખો મામલો હાલોલ પોલીસ મથક પહોંચ્યો હતો. જો કે હાલોલ પોલીસે આ મામલે પ્રાથમિક અરજી લઈને મામલામાં તપાસ આદરી છે. અલબત્ત તાલુકા વિકાસ અધિકારી સુખરામ તડવી આખા મામલાથી અજાણ હોવાનું અને કેમેરા સામે આવવાનું ટાળતા જોવા મળ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલો હવે રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી રહ્યો હોવા નું જોવાઈ રહ્યું છે.

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here