પાટણ : 2 ઓગસ્ટ
ગુજરાત સરકાર દ્વારા પાલક માતાપિતા યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ અનાથ બાળકો જેવા કે, જે બાળકના માતાપિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા જે બાળકના પિતાનું અવસાન થયેલ હોય અને માતા બાળકોને મૂકીને બીજે પુનઃલગ્ન કરે તો તે બાળકોના રક્ષણ, શિક્ષણ, આરોગ્ય તથા અન્ય જીવન જરૂરિયાત પુરી પાડવા માટે આ યોજના અંતર્ગત અનાથ બાળકોનો ઉછેર કરતા બાળકના પાલક માતાપિતાને સરકાર દ્વારા દર માસે રૂા.૩૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી છે.
રાધનપુર તાલુકાના કમાલપુર ગામના રામેશ્વર પરામાં વયોવૃદ્ધ અશક્ત દાદા- દાદીની પાસે 4 અનાથ બાળકો કે જેમના માતા-પિતાની છત્ર છાયા આ બાળકો પર નથી તેઓ માટે બાળ સુરક્ષા વિભાગ પાટણ દ્વારા પાલક માતા-પિતા યોજનાનું ફોર્મ ભરાવી લાભ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આ દાદા-દાદી તેમના પૌત્રના 4 બાળકો સાથે જર્જીરીત મકાનમાં રહે છે અને આ બાળકોની ઋતુ દરમિયાન પડતી સમસ્યાઓ જોતા તેઓની હાલત અત્યંત દયનીય, લાચાર થઇ ગયી છે.
તેથી તેઓની ચિંતા કરી બાળ સુરક્ષા એકમના સ્ટાફ તથા દાતાઓના સહકારથી ઘરની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જેવી કે થાળી, વાટકા, ચમચી, ઘઉં, ચોખા,અનાજ ભરવાના પીપ ,વગેરે આપવામાં આવી છે. વધુમાં છેલ્લા કેટલાય સમયથી વીજ કનેકશન તથા પાણીની સમસ્યા હોતા તાત્કાલિક બાળ સુરક્ષા એકમની ટીમ સાથે રહી નવીન લાઈટનું મિટર તથા પાણીનું કનેક્શન પણ લગાવી આપવામાં આવ્યું છે.પાલક માતાપિતા યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધી બાળક અભ્યાસ કરતુ હોય તો માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. આ યોજનામાં બાળક નિયમિત શાળાએ જાય તેમજ બાળક પાંચ વર્ષ કરતા નાની ઉંમરનું હોય તો નિયમિત આંગણવાડીમાં જાય તે માટે સમયાંતરે તેની ઘરતપાસ કરવામાં આવે છે.