પાટણ : 31 ઓગસ્ટ
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રજાજનો બિસ્માર અને ઉબડખાબડ રોડ રસ્તાઓથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોને રાહત મળી રહે તે માટે પાટણના ધારાસભ્ય ડો . કિરીટ પટેલે ખાડા પુરવાની આ કામગીરી હાથમાં લઈને જાતે ટ્રેક્ટર ચલાવી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની ટીમ સાથે નિકળી શહેરના રસ્તાઓ પરના ખાડા વેટમિક્સ માલથી પુરવાની કામગીરી હાથ ધરી હતી.
પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વોર્ડ વિસ્તારમાં તેમજ મેઇન બજાર સહિત રાજમાર્ગો પર ઠેરઠેર રોડ પર ખાડા પડવાથી અને રોડ તૂટી જવાથી લોકોને હેરાન પરેશાન થવું પડતું હોવાની વ્યાપક લોકબૂમ પ્રવર્તી રહી છે અને નગરપાલિકાના સત્તાધીશો લોકોને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં નિષફળ રહ્યા હોવાનો લોકમત ઉઠવા પામ્યો છે ત્યારે કોંગ્રેસની આ કામગીરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રોડ પરના ખાડાઓના કારણે રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકો સૌને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાની બૂમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી સમયસર હાથ નહીં ધરાતા શહેરીજનોને મુશ્કેલીમાં રાહત મળી શકે તે હેતુથી નગર પાલિકાનું કામ ધારાસભ્યએ હાથમાં લીધું હતું અને આજે તેમની આગેવાનીમાં ત્રણ ટ્રેક્ટરોમાં સિમેન્ટ રેત અને મેટલમાંથીબનાવાયેલ વેટમિક્સ માલ ભરીને ખાડા પુરાણ કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ આ પ્રજાલક્ષી કામગીરીને આવકારી હતી.
શહેરના ચાણસ્મા હાઇવે પર લીલીવાડી, માતા ભીમાબાઈ ચોક આગળથી ખાડા પુરવાની કામગીરીનો પ્રારંભ કરી સત્યમ શિવમ સુંદરમ સોસાયટી , કર્મભૂમિ , પદમેશ્વર થઈ ટેલિફોન એક્સચેન્જ અને જલારામ ચોકડી તરફના રોડ પર આ કામગીરી આગળ વધારી હતી. રોડ પરના ખાડા પુરવાની કામગીરી માટે ધારાસભ્ય ડો . કિરીટ પટેલ ખુદ ટ્રેકટર ચલાવીને કાર્યકરોની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને જાતે પાવડો હાથમાં લઈ ટ્રેક્ટરમાંથી વેટમિક્સ માલ રોડ પરના ખાડાઓમાં પાથર્યો હતો . દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ અને નગર પાલિકાની હાય હાય ના સૂત્રોચ્ચાર કરાયા હતા . કોંગ્રેસના આ નવતર અભિગમથી પ્રજાએ રાહત અનુભવી હતી અને શહેરના તમામ વિસ્તારમાં પડેલા ખાડા પુરાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી . આ ખાડા પુરાણ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી , શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા સહિત પક્ષના આગેવાનો , કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા .