Home પાટણ પાટણમાં ભુવાનો પ્રશ્ન નહીં ઉકેલાતા ધારાસભ્યએ રાત્રે રેલી યોજી ચીફ ઓફિસરના ઘરે...

પાટણમાં ભુવાનો પ્રશ્ન નહીં ઉકેલાતા ધારાસભ્યએ રાત્રે રેલી યોજી ચીફ ઓફિસરના ઘરે કર્યા ધરણા…

169
0

પાટણ : 4 સપ્ટેમ્બર


પાટણ શહેરના વોર્ડ નંબર 7મા વાહન વ્યવહારથી ધમધમતા કુલડીવાસના માર્ગ પર છેલ્લા 18 દિવસથી ભૂગર્ભ ગટરના 7 ફૂટ ઊંડા અને 10 મીટર લાંબા તોતિંગ ભુવાનો પ્રશ્ન હલ નહીં થતા ગત મોડી રાત્રે ધારાસભ્ય કિરીટ પટેલે સ્થનિક લોકોને સાથે રાખી રેલી યોજી ચીફ ઓફિસર ના ઘરે જઈ ધરણા પર બેસી રામધુન બોલાવતા ભારે હંગામો મચ્યો હતો. જેને પગલે જિલ્લા કલેકટરના આદેશથી મોડી રાત્રે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાઈ હતી.

પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપના વર્તમાન શાસકોની વહીવટી બિન કુશળતાને કારણે શહેરીજનો તોબા પોકારી ઊઠ્યા છે .નગરપાલિકાનો વહીવટ ચૂંટાયેલા સભ્યો પૈકી માત્ર ચાર જેટલા જ હોદ્દેદારો ચલાવતા હોવાને કારણે દિવસે દિવસે શહેરીજનોની સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે.પાટણ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે.ત્યારે શહેરના વોર્ડ નંબર 7માં આવેલ કુલડીવાસ જવાના મુખ્ય માર્ગ ઉપર ગટરમાં ભંગાણ સર્જાતા 7 ફૂટ જેટલો ઊંડો ભુવો પડ્યો હતો. જેના કારણે આ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરાયો છે તેમજ ભૂગર્ભ ગટરનું દૂષિત અને ગંદુ પાણી માર્ગ ઉપર રેલાતા આ વિસ્તારના રહીશો અને દુકાનદારોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે તો મકાનોના પાયામાં પણ આ પાણી ઘુસી રહ્યું છે. જેને કારણે મકાનોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તેમ છતાં ભુવાનું પુરાણ અને ગટર લાઈન નું સમારકામ નગરપાલિકા તંત્ર દ્વારા ગોકળગતીએ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં રહીશોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ મુદ્દાને લઈને ત્રણ દિવસ અગાઉ વિસ્તારના લોકોએ કોંગ્રેસના સભ્યોને સાથે રાખી ભૂગર્ભ ગટરના ચેરમેનનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આખ આડા કાન કરી મુખ્ય માર્ગ ઉપર પડેલ ભુવાનું અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ નહીં કરાતા ના છૂટકે ગતરોજ મોડી રાત્રે પાટણના ધારાસભ્ય કિરીટી પટેલે વિસ્તારના રહીશોને સાથે રાખી રેલી યોજી ચીફ ઓફિસરના ઘેર જઈ ધરણા પર ઉતરી રામધૂન બોલાવી હલ્લાબોલ કર્યો હતો.ધારાસભ્યના હલ્લાબોલથી જિલ્લા કલેકટરના આદેશથી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડી રાત્રે કુલડીવાસના માર્ગ પર પડેલ ભુવા નું પુરાણ અને ગટર રીપેરીંગની કામગિરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યુ હતુ.


ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનો ભોગવી પડતી તકલીફોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં શહેરીજનોને સાથે રાખીને આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે.

શહેરના વોર્ડ નંબર 7 ના રહીશો છેલ્લા 18 -18 દિવસથી ભૂગર્ભ ગટર ને લઈને ભારે યાતનાઓ ભોગી રહ્યા છે ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગતરોજ મોડી રાત્રે આ વિસ્તારના લોકોની સુખાકારી માટે ચીફ ઓફિસરના ઘરે ધરણા ઉપર ઉતરી તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાવતા ધારાસભ્યની આ કામગીરી લોકોમા ભારે પ્રશંસનિય બની છે તો બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશોની રેઢીયાળ કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here