પાટણ : 2 ફેબ્રુઆરી
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાની મંજુરી સાથે જીઓ કંપની દ્વારા મુખ્યમાર્ગો પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ કામગીરી દરમ્યાન બાળમજુરી પ્રતિબંધક કાયદાનો છડેચોક ભંગ થતો હોય તેમ કંપનીના અધિકારીઓની હાજરીમાં જેમની ઉંમર અભ્યાસ કરવાની છે તેવા બાળકો આ કામગીરીમાં જોતરાયેલા જોઇ શહેરીજનો પણ આશ્ચર્યચકિત બની રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બાળમંજુરી પ્રતિબંધક કાયદો અમલી બનાવી જેતે જિલ્લામથકોએ કચેરીઓ કાર્યરત કરી અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંકો પણ કરેલી છે . છતાં અભ્યાસ કરવાની ઉંમરે કેટલાય બાળકો બાળમજુરી કરતાં જોવા મળે છે . પરીવારની મજબુરી કે પછી યોગ્ય વ્યવસ્થાના અભાવે બાળમજુરી કરતા બાળકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જીઓ કંપની દ્વારા ભૂગર્ભમાં કેબલો નાખવા શહેરના વિવિધ માર્ગોનું ખોદકામ કરવામાં આવી રહયું છે . આ ખોદકામમાં બાળપણ ભુલી અભ્યાસ કરવાની ઉંમરના બાળકો પણ બાળમજુરીમાં જોતરાઇ દિવસભર ખોદકામ કરતા જોવા મળે છે . નગરપાલિકાની મંજુરીથી જ હાથ ધરાયેલ આ ખોદકામમાં બાળમજુરોની આવી દયનીય સ્થિતિ જોઇ શહેરીજનો દ્રવી ઉઠે છે . આજે શહેરની વેરાઇચકલા – સંગીત શાળા પાસે બાળકને ખોદકામ કરતા જોઇ કેટલાક શહેરીજનો કહી રહ્યા હતા કે , બાળમજુરી પ્રતિબંધક કાયદો માત્ર કાગળ ઉપરજ હોય તેવું આ દૃશ્ય જોઇ લાગી રહ્યું છે.