Home સાબરકાંઠા કિશોર કિશોરીઓના પોષણ એનિમિયા જાતિય ફેરફાર અંતર્ગત સામાજિક અને વર્તણુક પરીવર્તન સંચાર...

કિશોર કિશોરીઓના પોષણ એનિમિયા જાતિય ફેરફાર અંતર્ગત સામાજિક અને વર્તણુક પરીવર્તન સંચાર કાર્યક્રમ મહિયલ- તલોદ ખાતે યોજાયો

139
0

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહીયલની જે.બી.ઉપાધ્યાય હાઇસ્કૂલ ખાતે કિશોર કિશોરીઓના પોષણ એનિમિયા જાતીય ફેરફાર અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વ્યક્તિ ઘડતરમાં શિક્ષણ અને સંસ્કાર મુખ્ય છે આજે જે તમે શીખશો તે તમારું ભવિષ્ય બનાવશે. બાળકોના સર્વાંગી વિકાસમાં શાળા અને ઘર મુખ્ય ભૂમિકા ભજવે છે આજની સુટેવો ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી રહેશે. સારું વાંચન હોવું એટલું જરૂરી નથી પરંતુ એ વાંચનને જીવનમાં ઉતારવાની જરૂર છે. સારી આદતો, સ્વયં સિસ્ત અને સેલ્ફ કંટ્રોલ એ આજના કિશોરોની જરૂરિયાત બની રહી છે કારણ કે કિશોરાવસ્થા એટલે થનગનાટ ઝડપ ઉત્સાહસ ઉર્જા છે પરંતુ આ દરેકને સેલ્ફ કંટ્રોલની જરૂર પડે છે. આ જમાનો ઇન્ટરનેટ માહિતીનો ખજાનો છે મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે સ્વયં ઉપર આધારિત છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનનો હિસ્સો બનાવો આવેગો ઉપર નિયંત્રણ ખૂબ જરૂરી છે કિશોરોમાં આક્રમકતા વધુ હોય છે પરંતુ આ આક્રમકતા સામેવાળા કરતાં સ્વયંને વધુ નુકસાન કરે છે. વર્તન પરિવર્તન અને આવેગો પર નિયંત્રણ એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી બાબત છે. કિશોરોના સ્વપ્નોને સાકાર કરવા માટે આ રીતેના કાર્યક્રમો ફાઉન્ડેશન બનશે તેવી આશા દર્શાવી હતી.

આ પ્રસંગે ડો. બીના વડાલીયા(RDD)એ તરુણાવસ્થા ઉપર બાળકોને માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, આજના યુગના બાળકોમાં અસ્વિકારની થીયરી ખૂબ જ વિકસી રહી છે પરંતુ જો બાળકો પોતાના માતા-પિતા અને ગુરુજનની વાત માને તો તે તેમના હિતમાં રહેલી છે પરંતુ તરુણાવસ્થા એવી અવસ્થા છે જ્યાં સ્વંયને સિદ્ધ કરવાની ભાવના વધુ ઉગ્ર હોય છે. તેથી સામેવાળાનો અસ્વીકાર કરવો તે સ્વાભાવિક બની જાય છે. ભાવનાની બ્રેક અને લાગણીની લગામ એકમાત્ર તરુણાવસ્થાને શણગારવા માટેનું સાધન બની રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું કે ટીચરો રોલ મોડલ બને અને માતા-પિતા મિત્ર બની આ બાળકોને સાચો માર્ગ દર્શાવે તે ખૂબ જરૂરી છે. આ ભારતનું ભવિષ્ય છે અહીં ઇન્વેસ્ટ કરેલું અનેકઘણુ બનીને ભારતને મળશે. આરોગ્યનું કામ માત્ર રોગ દૂર કરવું નહીં પરંતુ રોગોને રોકવાનું પણ છે. જો પોષણયુક્ત આહાર અને શારીરિક રીતે સ્વસ્થ હશું તો ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકાશે જેથી સંકલ્પ અને સંસ્કારથી જ સિદ્ધિ શક્ય બનશે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજ સુતરીયાએ યુવાવસ્થાની વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે, સાહસ, સુંદર દેખાવાની ઝંખના, ઝડપ, ઊર્જા, તરવરાટ એટલે યુવાવસ્થા. આ યુવાવસ્થાને યોગ્ય દિશા, સિંચન આપવું એ આપણી જવાબદારી છે કારણ કે તે દેશનું ભાવી છે. તેમને વધુમાં જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય અને આઇ.સી.ડી.એસ.ના ત્રિવેણી સંગમ થકી આપણે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવી શકીશું આપણા સહિયારા પ્રયાસ થકી આ શક્ય બનશે.

આ પ્રસંગે તરુણાવસ્થા અંગે એડોલેશન કાઉન્સિલરશ્રી મોઇનઅલી અને દિપક સુતરીયાએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. પીયર એજ્યુકેટર્સ દ્રારા એનેમિયા અને પોષણ અંગે માહિતી આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ વાનગી સ્પર્ધામાં ભાગ લઇ પોતે આરોગ્યપ્રદ નાસ્તા અને ભોજન બનાવ્યા હતા.નો ટોબેકો લેખન ચિત્ર સ્પર્ધાના વિજેતા વિધાર્થિઓને મહાનુભવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ટી -3 ( test, treat & talk) કેમ્પ માં 110 વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન, વજન અને ઊંચાઈ ની તપાસ કરવામાં આવેલ જેમાં 108 વિદ્યાર્થી ઓના HB 12 ગ્રામ થી વધું હતા. આ તમામ 110 બાળકો ના બોડી માસ ઈન્ડેક્સ ની તપાસ કરતાં 106 વિદ્યાર્થી નોર્મલ જણાયેલ.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય, ગામના સરપંચ શ્રી રાકેશભાઈ મહેતા, ટી. એચ. ઓ. શ્રી ડો. મુઘડ, શાળાના આચાર્યશ્રી કિર્તનભાઇ મહેતા, શાળાના શિક્ષકો, આઈ.સી.ડી.એસના કર્મચારી, આરોગ્ય વિભાગના કર્મચારી અને એડોલેશન કાઉન્સિલર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

                      અહેવાલ. રોહિત ડાયાણી, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here