સુરેન્દ્રનગર: 6 મે
જિલ્લા કલેક્ટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટીતંત્રએ યુધ્ધના ધોરણે સરાહનીય બચાવ – રાહત કામગીરી હાથ ધરી
રાષ્ટ્રીય આપત્તિ નિવારણ તંત્રના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે અચાનક ભૂકંપ આવે તો NDRF ના સહયોગથી આજે અદ્દભૂત મોક એક્સસાઇઝ યોજાઈ હતી.
મોક એક્સસાઇઝના ભાગરૂપે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ભૂકંપ આવ્યા અંગેનો મેસેજ પાઠવવામાં આવ્યો હતો અને તે મેસેજના ભાગરૂપે જિલ્લા કલેકટર કે.સી. સંપટ તેમજ નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ, આરોગ્ય, ફાયરબ્રિગેડ, સ્થાનિક ડીઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડીને કર્મચારીઓ તથા નાગરિકોના જાનમાલની રક્ષા કરીને મોટી જાનહાનિમાંથી ઉગારી લેવા સુચનાઓ આપી હતી.
મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ નર્સિંગ કોલેજ ખાતે સવારે ૯-૩૦ વાગ્યે આ મોક એક્સસાઇઝ યોજાઈ ત્યારે અદ્દભુત દ્રશ્યો સર્જાયા હતા.
ઘટના સ્થળે આવી પહોચેલા NDRF ના જવાનો વિના વિલંબે નર્સિંગ કોલેજના તમામ સ્ટાફને બહાર નિકાળ્યા હતા અને જે વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતા તેમને બાંધીને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આની સાથોસાથ જે બેભાન થયા હતા તેમને પણ સ્ટ્રેચરમાં નીચે લાવીને સારવાર કરવામાં આવી હતી. આ બચાવ કામગીરીનું સંકલન અધિક કલેકટર એન.ડી.ઝાલાએ કર્યું હતું.
જો જિલ્લામાં અચાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિ આવે તો તંત્ર કેટલું સજાગ છે તેની પ્રતિતિ થઈ હતી અને કોઈ જાનહાનિ થઈ નથી અને ક્ષણ માત્રના વિલંબ કર્યા વગર યુધ્ધના ધોરણે બચાવ કામગીરી અને ઈજાગ્રસ્તોને સારવાર પુરી પાડવામાં આવી હતી.
આ મોક એક્સસાઇઝમાં પ્રાંત અધિકારી વી.એન. સરવૈયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી હરેશ વસેટિયન, ડિઝાસ્ટર મામલતદાર જે.ટી. રાવલ, GSDMA DPO નિલેશ પરમાર, NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિક્રમ ચૌધરી, ટીમ ઇન્સ્પેક્ટર બાબુલાલ યાદવ, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર , જિલ્લાના પોલીસ જવાનો, આપદામિત્ર, NDRF ના જવાનો, PGVCL, પાણી પુરવઠા, આરોગ્ય, આર.એન્ડ બી., ફાયરબ્રિગેડ, સર્ચ અને રેસ્કયુઝ ટીમ, નગરપાલિકા, ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ, આગાખાન એજ્યુકેશન અને કર્મચારીઓ જોડાયા હતા.