ભુજ : 1 ઓગસ્ટ
કચ્છ જિલ્લામાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી વાઈરસને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાઈરસની સ્થિતિને લઈને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વિગતે જાણકારી પ્રાપ્ત કરીને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરશ્રીએ લમ્પી વાઈરસ અંગેના જાહેરનામાનો કડકાઈથી અમલ થાય તેને લઈને સુદ્દઢ કામગીરી કરવા પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. તેઓએ લમ્પી વાઈરસને લઈને પશુપાલકોમાં લોકજાગૃતિ આવે તે માટે ગ્રામ્ય સ્તર સુધી યોગ્ય રીતે સંકલન કરવા જરૂરી માર્ગદર્શન અધિકારીશ્રીઓને પૂરું પાડ્યું હતું. ખાસ કરીને પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવામાં આવે અને જો પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો દેખાય તો તે પશુને અન્ય પશુઓથી અલગ કરીને આઈસોલેશનમાં રાખવામાં આવે તેની તકેદારી લેવાય તે માટે સૂચના આપી હતી. કોઈપણ રખડતા પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો દેખાય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને તેને આઈસોલેશન સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવે તે બાબતે તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, લમ્પી વાઈરસને અટકાવવા કચ્છ જિલ્લામાં સૌથી ઝડપી અને સૌથી વધારે રસીકરણ થયું છે. પશુપાલન વિભાગની સાથે સહયોગ કરીને આ રસીકરણની કામગીરીમાં કોઈ જ વિલંબ ન થાય તેની કાળજી રાખવા તેઓએ સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, પશુઓના મૃતદેહનો તાત્કાલિક સરકારની ગાઈડલાઈન મુજબ નિકાલ થાય તેનું સતત મોનિટરીંગ કરીને કામગીરી કરવા તેઓએ સૂચના આપી હતી.
આ સમીક્ષા બેઠક દરમિયાન કચ્છ જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રી એચ.કે.ઠક્કરે લમ્પી વાઈરસ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ૩૧ જુલાઈની સ્થિતિ જિલ્લામાં ૨ લાખ ૩ હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ ૪૯,૯૭૪ પશુઓની સારવાર કરાઈ છે. લમ્પી વાઈરસના લીધે કચ્છ જિલ્લામાં ૧૧૩૬ પશુઓના મોત થયા છે. જ્યારે લમ્પી વાઈરસથી અસરગ્રસ્ત હોય એવા ૩૭,૮૪૦ પશુઓની સારવાર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૧૦૨ રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળ આવેલા છે જેમાં ૮૨,૮૨૪ની સંખ્યામાં પશુધન છે. વહીવટીતંત્રે ત્વરિત કામગીરીને કરીને આ ગૌશાળા અને પાંજરાપોળમાં ૪૬,૬૭૧ પશુઓનું રસીકરણ કર્યું છે.
આ સમીક્ષા બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, નિવાસી અધિક કલેક્ટર શ્રી હનુંમતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી શ્રી અતિરાગ ચપલોત, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ચિરાગ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.જનક માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.આર.આર.ફૂલમાલી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.