ભુજ : ૧૦ જાન્યુઆરી
વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના વધતા કેસોના પગલે સાવચેતી અને પૂર્વ તૈયારીના ભાગરૂપે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક ગતરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
કોવીડની સંભવિત ત્રીજી લહેરમાં કચ્છ જિલ્લાની પૂર્વ તૈયારી અને સમીક્ષા સંદર્ભે શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલા એ આજરોજ સંબંધીત સર્વેને જણાવ્યું હતું કે કોવિડ -૧૯ ની સંભવિત ત્રીજી લહેરના પગલે નાગરિકો તેમજ દર્દીઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે કે કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે તકેદારી રાખવા સૂચન કર્યા હતા. તેમણે ટેસ્ટિંગ, કોલસેન્ટરમાં મોનીટરીંગ કરાય, દર્દીઓને જરૂર પડે યોગ્ય વ્યવસ્થા કરવાની તેમજ દર્દીને ગાઈડ કરવાના જેથી દર્દીનો સમય અને નાણાં બચે તેમ કરવા સૂચન કર્યું હતું. તેમજ કોન્ટેક ટ્રેસીંગ અને ટેસ્ટીંગ વધારવા પર ફોકસ કરવા જણાવ્યું હતું. ગ્રાઉન્ડ લેવલની કામગીરીનું સતત જાત નિરીક્ષણ કરવા પ્રભારી મંત્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી પગલાં લેવા સૂચનો કરી જિલ્લાવાસીઓને કોઈ તકલીફના પડે તે જોવા માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ તકે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ વહીવટી અને આરોગ્ય તંત્રની પ્રસંશા કરતાં જણાવ્યુ હતું કે દાખલ થયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર, નિદાન, ભોજન,પાણી, ટેસ્ટિંગ સગવડ, દવા તેમજ તેમનું સુપરવિઝન કરાય તે ખુબજ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે લેબોરેટરી, મેડિકલ સ્ટોર, રેડિઓલોજી, સીટીસ્કેન અને ખાનગી તબીબોની સાથે મળી સરકારના ચોક્કસ ધારાધોરણ મુજબ મહામારીમાં યોગ્ય દર(ચાર્જ) રાખવા જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે તમામ તાલુકાઓમાં ટેસ્ટિંગ માટેની સગવડો ઊભી કરાય તેમજ યોગ્યતા ધરાવતા તમામ નાગરિકોનું રસીકરણ ઝડપથી થાય.
આ બેઠકમાં જિલ્લા ની પૂર્વ તૈયારીની અમલવારી ની છણાવટ સાથે જરૂર પડે સંભવિત ત્રીજી લહેરમાં દર્દીઓને તમામ સારવાર તથા સુવિધાઓ ઝડપી મળે તેમજ સંક્રમણ વધુ ના ફેલાય તે માટે પ્રભારી સચિવ હર્ષદ પટેલે આ માટે નિયમિત દૈનિક રિપોર્ટ અને જવાબદાર અધિકારી સંક્રમિત થાય તો અન્ય સંકળાયેલ તમામ કામગીરી માટે અન્ય લોકોને તૈયાર કરાય તેવું પણ સૂચન કર્યું હતું જેથી કરીને સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ના પડે.
આ તકે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીની નિમણૂંક કરવા રજૂઆત કરી હતી. તેમજ તેમણે ફાળવેલી ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ PSA ઓક્સીજન પ્લાન્ટની કાર્યવાહી બાબતે તેમજ સ્થાનિક સરકારી સુવિધા અંગે પણ ચર્ચા કરી હતી.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા એ નલિયાખાતે PSA પ્લાન્ટ કાર્યાન્વિત બાબતે, મ્યુકરમાઇકોસિસની દવા બાબતે રજૂઆત કરતાં કલેકટરશ્રી અને ડોક્ટર કશ્યપ બુચે વર્તમાન સ્થિતિથી પ્રભારીમંત્રીને માહિતગાર કર્યા હતા. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આ તકે રામબાગ હોસ્પિટલ તેમજ સ્થાનિક બાબતો અંગે રજૂઆત કરી હતી.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભચાઉ ખાતે તૈયાર થયેલ ટ્રોમા સેન્ટર ઝડપથી શરૂ કરવા રજૂઆત કરી હતી.
એપીએમસી ભુજના ચેરમેન કેશુભાઈ પટેલે પણ ખાનગી હોસ્પિટલના ચાર્જ, દર્દીને પડતી અગવડો બાબતે રજૂઆત કરતા અધ્યક્ષા ડૉ. નીમા આચાર્યએ આ બાબતે સૂર પુરાવતા પ્રભારીમંત્રીએ કલેકટરને ખાનગી તબીબો સાથે મીટીંગ બોલાવી ધારાધોરણ મુજબના ચાર્જ લેવા માટે આયોજન કરવા સૂચન કર્યું હતું. અગવડતાનું પુનરાવર્તન ના થાય તે જોવા પણ સંબંધિતોને સૂચન કર્યું હતું.
કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક અને જિલ્લા તબીબી અધિકારી ડો.કશ્યપ બુચે જિલ્લાની કોવીડ-૧૯ ની પ્રવર્તમાન સ્થિતિ, વ્યવસ્થા અને આયોજન બાબતે મંત્રીને માહિતગાર કર્યા હતા. જે પૈકી કોવીડના સક્રિય કેસ, હોમ આઈસોલેશન, સર્વેલન્સ માહિતીમાં કુલ ૭૪ ધનવંતરી રથ ,કન્ટેન્મેન્ટ ઝોન તેમજ અન્યત્ર કોન્ટેક ટ્રેસીંગ વધારવા તેમજ જિલ્લામાં થઇ રહેલા ૧૦૦ ટકા RTPCR ટેસ્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં વેકસીનેશન બાબતે તેમજ રાપર અને બન્ની વિસ્તારમાં રસીકરણ બાબતે ચર્ચા કરાઇ હતી.
નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ સંભવિત ત્રીજી લહેરના પગલે જિલ્લાની હોસ્પિટલોમાં શું વ્યવસ્થા છે તે અંગે માહિતી પુરી પાડતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યારે આઈ.સી.યુ./O2 તેમજ રૂમ એર બેડ સહિત કુલ ૩૯૮૪ બેડસ ઉપલબ્ધ છે. જરૂર પડે તો વધારાના ૧૭૯ ICU વેન્ટીલેટર બેડ, ૭૯૬ બેડસ, ૧૦૬૮ રૂમ એર બેડસ થઇ કુલે ૨૦૬૬ પથારીની વ્યવસ્થા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કરી શકાશે.
પ્રભારીમંત્રીએ સંભવિત ત્રીજી લહેરમાં બાળકો માટે સારવારની શું વ્યવસ્થા છે તે અંગે પૂછતા કલેકટરએ જણાવ્યું હતું કે બાળકો માટે જિલ્લામાં ઓકિસજન અને આઈ.સી.યુ. થઇ કુલ ૧૮૦ બેડ ઉપલબ્ધ છે. તેમજ ૭૦.૨૭ મેટ્રીક ટન ઓકસિજન જિલ્લા પાસે છે તેમજ PSA પ્લાન્ટની ક્ષમતા અને સ્થિતિ અંગે પણ ચર્ચા કરાઈ હતી.
પ્રભારી સચિવ હર્ષદ કુમારે ઓકિસજનની માંગ અને પુરવઠાની વ્યવસ્થા જળવાય તે માટે રીવ્યુ કરવા પર ભાર મૂકયો હતો. આ તકે ઉપલબ્ધ મેડિસીન સંસાધનોની ચર્ચા પૈકી રેમડેસીવીરના પુરતા જથ્થા અંગે માહિતગાર થતાં સચિવે માંગ અને પુરવઠાની સ્થિતિ પૈકી જરૂર પડે અગાઉથી વ્યવસ્થા કરવાની તૈયારી માટે સૂચન કર્યુ હતું.
જિલ્લાના સામુહિક, પ્રાથમિક, સબસેન્ટર અને અર્બન આરોગ્ય કેન્દ્રોમાં તેમજ વિવિધ કોવીડ કેર સેન્ટર અને સમરસ હોસ્ટેલની સુવિધા સબંધિત સર્વેને કોવીડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિમાં ગ્રાઉન્ડ લેવલે સુપરવિઝન કરવા પર ભાર મૂકયો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ એસ.પી. મયુર પાટિલ ,પ્રાંત અધિકારી સર્વ અતિરાગ ચપલોત, પી.એ.જાડેજા, જય રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી રીના ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી. ડી. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. બી. એન. પ્રજાપતિ, જિલ્લા આયોજન અધિકારી ચાવડા, જિલ્લા આંકડા અધિકારી રોહિત બારોટ, ડિઝાસ્ટર મામલતદાર નિરવ બ્રહમભટૃ, નાયબ મામલતદાર રમેશભાઇ ઠકકર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.