પાટણ : 27 ઓગસ્ટ
પાટણના સિધ્ધપુર ચાર રસ્તા પાસે આવેલ હંગામી બસસ્ટેન્ડમાં બસની રાહ જોતા વૃધ્ધાના ગળામાંથી ચેન સ્નેચરે સિફતપૂર્વક સોનાની ચેનની તફડંચી કરી પલાયન થઇ જતા વૃધ્ધા હતપ્રત બની હતી . બનાવ અંગે પોલીસને જાણ કરતાં ગુનો નોંધી સીસીટીવી ફુટેજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પાટણના મોટીસરા વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન કસ્તુરભાઇ મકવાણા ( ઉ.વ .૬૦ ) પોતાની બહેનને મળવા વિસનગર જવા હંગામી એસ.ટી.બસ મથકે આવ્યા હતા અને બપોરના સમયે બસની રાહ જોઇ ઉભા હતા ત્યારે ચેનસ્નેચરની નજર તેમના ગળામાં પહેરેલ સોનાની ચેન ઉપર પડતાં સિફતપૂર્વક સોનાની ચેઇનની તફડંચી કરી ચેનસ્નેચર પોબારા ભણી ગયો હતો.
ગળામાંથી ચેન ગાયબ જણાતા વૃધ્ધ હતપ્રત બની ગઇ હતી અને પુત્ર જયેશ મકવાણાને મોબાઇલથી જણાવતા તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બસસ્ટેન્ડ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી નાસી છુટેલ ચેનસ્નેચરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા .