Home પંચમહાલ જીલ્લો પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનાં ધામણોદ ગામથી પાંચમા તબક્કાનાં સુજલામ સુફલામ જળસંચય...

પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનાં ધામણોદ ગામથી પાંચમા તબક્કાનાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ

87
0
ગોધરા :  19 માર્ચ

ધામણોદ ગામનાં વડુ તળાવને ઉંડુ બનાવવાનાં કાર્યનું ભૂમિપુજન કર્યુ

જિલ્લામાં રૂ.650 લાખનાં ખર્ચે 552 જળસંચયનાં કામો હાથ ધરાશે

વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાનાં ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડનાં વરદહસ્તે આજે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન-2022નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરા તાલુકાનાં ધામણોદ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવતા ઉપાધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે 31મી મે સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત જિલ્લામાં રૂ.650 લાખનાં ખર્ચે જળસંચયનાં 552 કાર્યો હાથ ધરવામાં આવશે. રાજ્યનાં દરેક ખૂણાનાં નાના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવાનાં સરકારનાં પ્રયાસો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા વરસાદી પાણીનો સંગ્રહ કરી જળ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાનાં હેતુસર વર્ષ ૨૦૧૮ નાં વર્ષથી સુજલામ – સુફલામ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહયું છે, જેનાં પરિણામે ભૂગર્ભ જળ ઉંચા આવ્યા છે અને સિંચાઈની સુવિધાઓ બહેતર બની છે.

સિંચાઈની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સંકલ્પબધ્ધ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં જળસંચયનાં કાર્યો લોકભાગીદારીથી કરવા માટે એન.જી.ઓ ઉપલબ્ધ નથી ત્યાં તળાળ ઉંડા કરવા સહિતનાં જળસંચયનાં કાર્યો માટે સરકારે 60 ટકાનાં બદલે 100 ટકા રકમ ફાળવવા માટે મંજૂરી આપી છે, જેનો લાભ શહેરા તાલુકાનાં 45થી વધુ ગામોને મળવાનો છે. શહેરા તાલુકા સહિત જિલ્લામાં પાણીની સુવિધા અને સિંચાઈની સુવિધાઓ વિષયક કાર્યોનો ચિતાર આપતા તેમણે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા જળસંચયના કાર્યોના પરિણામે બહેનોને આજે પાણીનાં બેડાનાં ભારમાંથી મુક્તિ મળી છે. નળ સે જળ અભિયાન અંતર્ગત શહેરા તાલુકામાં જ 100 કરોડનાં ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતનાં દરેક નાગરિકને સરકાર ઘરેબેઠા નળથી પાણી આપશે.

સુજલામ-સુફલામ અભિયાન દ્વારા ગુજરાતનાં નાના-નાના ગામડાઓની સાથે પાણીની જરૂરીયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરીયાતને પૂર્ણ કરવા સંબંધિત વિસ્તારોમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમનાં ડિસીલ્ટિંગનાં કામો, જળાશયનાં ડિસીલ્ટિંગનાં કામો, નદીઓનાં કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવિત કરવાનાં કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયનાં કામો સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે, તેમ જણાવતા સરકારના જળ અભિયાનનાં અભિનવ યજ્ઞકાર્યને લોકસહયોગ દ્વારા વેગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશનાં હાલનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીના સંકટનાં નિવારણ માટે ગામે-ગામે જળસંચયનો વિચાર અમલમાં મુક્યો અને ગામમાં ચેક ડેમ, ખેત તલાવડીનું નિર્માણ, બોરીબંધ જેવા કાર્યોથી ગામનું પાણી ગામમાં રહે તેવી સુદ્દ્રઢ જળ વ્યવસ્થા કાર્યરત કરી. જળ અભિયાનથી કૂવા-તળાવોના જળ સ્તર ઉચા આવ્યા છે, જેને લીધે ખેડૂત બારેમાસ ખેતીના પાક લઇ શકે છે, તો વળી જળ સંચયનાં કામો આરંભાતા આદિજાતિ વિસ્તારોમાં મનરેગા થકી રોજગારીના નવા અવસરો ઉભા થયા છે.

ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં સિંચાઈની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકારે આ વર્ષે બજેટમાં તળાવો ભરવા સહિતનાં સિંચાઈ કાર્યોનાં આયોજન માટે રૂ.452 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકીએ કાર્યક્રમને સંબોધતા સરકારે હાથ ધરેલા જળસંચયનાં કાર્યો અને સિંચાઈની સુવિધાઓનાં પરિણામે વિસ્તારમાં ખેતીને થયેલ લાભ વિશે જણાવ્યું હતું. કાર્યક્રમમાં સુજલામ-સુફલામ જળ અભિયાન અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.


કાર્યપાલક ઈજનેરશ્રી એસ.પી. પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને કાર્યપાલક ઈજનેર પાનમ સિંચાઈશ્રી વી.આર. તલારે આભારવિધી કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતી ચેરમેનશ્રી, આરોગ્ય સમિતીનાં ચેરમેનશ્રી સહિતનાં વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં રૂ.650 લાખનાં ખર્ચે 552 કામો હાથ ધરાશે, 2600 માનવદિન જેટલી રોજગારી ઉત્પન્ન થશે
જળસંગ્રહ ક્ષમતામાં 30 લાખ ઘનફૂટ જેટલો વધારો થશે

સુજલામ સુફલામ અભિયાન-2022 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા 250 તળાવો ઉંડા કરવાનાં, 150 ચેકડેમ ડિસીલ્ટીંગ કરવાનાં, 20 નહેરની સફાઈ કરવાનાં, 35 વન તલાવડી બનાવવાનાં કામો, 5 નદીઓને પુનઃજિવીત કરવાનાં કામ તથા 60 ચેકડેમ મરામતનાં કામો, 30 ટાંકી/સંપ/ઈન્ટેક સ્ટ્રક્ચર, કાંસ સાફ-સફાઈ, વોટર ડ્રેઈનેજની સાફસફાઈનાં કામ મળી કુલ 552 કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી આશરે 30 લાખ ઘનફૂટ વધારાનાં પાણીનો સંગ્રહ થવા પામશે. આ કાર્યો માટે રૂ.650 લાખનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ કાર્યોથી આશરે 2600 માનવદિન જેટલી રોજગારી પણ ઉત્પન્ન થશે. વર્ષ 2018માં જળસંચયનાં 1382, વર્ષ 2019માં 447, વર્ષ 2020માં 396, વર્ષ 2021માં 553 મળીને જિલ્લામાં કુલ 3078 કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેનાં પગલે 16 હજાર કરતા વધુ માનવદિનોની રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે.


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here