ગોધરા : 8 માર્ચ
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ત્રિમંદિર, ગોધરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકીએ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આજે નારી શકિતનો, દૈવીશક્તિનાં મહાત્મ્યનો દિવસ છે. આ નારી શક્તિએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. રાજકારણ, વિજ્ઞાન, રમત-ગમત સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી છે. સ્ત્રી શક્તિ, ભક્તિ અને લક્ષ્મીરૂપે સમાજનું પોષણ અને સંરક્ષણ કરે છે. સ્ત્રી ઘર અને સમાજને ટકાવી રાખવાની સૌથી અગત્યની જવાબદારી નિભાવે છે.
પ્રમુખશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મહિલાલક્ષી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. માતાના ગર્ભથી માંડી દિકરીનાં જન્મ, શિક્ષણ, આરોગ્ય અને તેના લગ્ન સુધીનાં જીવનનાં દરેક તબક્કે સરકાર તેનાં કલ્યાણ માટે ચિંતા કરે છે અને તેના માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારનાં નિરંતર પ્રયાસોનાં પરિણામે આજની નારી અબળા નહિ પણ સબળા બની છે. બજેટમાં પણ મહિલા વિકાસને પ્રાધાન્ય આપવા મહત્તમ ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજમાં મહિલાઓની ભાગીદારી વધે અને સરકારી નોકરીમાં વધુમાં વધુ બહેનો જોડાય તે માટે ખાસ અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કેતુબેન દેસાઈએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે ફક્ત એક જ દિવસ નથી. અન્ય બાકીનાં દિવસો પણ સ્ત્રી પોતાની ભૂમિકા ખૂબ સશક્ત રીતે અને સફળતાપૂર્વક ભજવી રહી છે. રાષ્ટ્ર, સમાજ અને કુટુંબ માટે સ્ત્રીની સાંપ્રત ભૂમિકા મહત્વની સાબિત થઇ રહી છે. સમાજને સશક્ત કરવાનું કામ મહિલાઓ કરી રહી છે. સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વાત કરતા તેમણે આ યોજનાઓની લાભાન્વિત મહિલા લાભાર્થીઓને પોતાને મળેલા લાભની વાત અન્ય મહિલાને કરી તેને મદદરૂપ થવાની ભાવના કેળવવા પણ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનાં માતા યશોદા એવોર્ડ અંતર્ગત ઘોઘંબા-01નાં આંગણવાડી કાર્યકર સુશ્રી રંજનબેન ભાટિયાને રૂ. 31,000/- અને તેડાગર બહેન સુશ્રી સીમાબેન પરમારને રૂ.21,000/-નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સિધ્ધી મેળવનાર જિલ્લાની 21 મહિલાઓનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વ્હાલી દીકરી યોજનાનાં 15 લાભાર્થીઓને અને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનાં 8 લાભાર્થીઓને સ્ટેજ પરથી મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં નારીશક્તિ પ્રતિજ્ઞાનું વાંચન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી રોહનકુમાર ચૌધરીએ કાર્યક્રમનાં પ્રારંભમાં સૌને શાબ્દિક સ્વાગતવિધી કરી આવકાર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, મહિલા અને બાળવિકાસ અધ્યક્ષશ્રી પ્રેમિલાબેન પરમાર, સામાજિક ન્યાય સમિતીનાં અધ્યક્ષશ્રી મણીબેન કે. રાઠોડ, સીડીએચઓ ડો. મિનાક્ષીબેન ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રિકાબેન સહિતનાં મહાનુભાવો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.