Home પંચમહાલ જીલ્લો ગોધરામાં ગોવિંદગુરુ યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ યોજાયો ….. મોરારી બાપુ ખાસ રહ્યા હાજર...

ગોધરામાં ગોવિંદગુરુ યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ યોજાયો ….. મોરારી બાપુ ખાસ રહ્યા હાજર ….

132
0

ગોધરાના વિંઝોલમાં ગોવિંદગુરુ યુનિવર્સીટીમાં મોરારી બાપુની ખાસ ઉપસ્થિતિમાં ચોથો પદવીદાન તથા સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોરારી બાપુએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. તેમણે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ગુણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ભૂમિ ફળદ્રુપ છે. અહીં વાડ, જમીન, ખાતર, બિયારણ, સિંચાઈ બધું બરાબર છે, પણ આ વિદ્યાર્થીરૂપી ફસલને કોઈ બહારના તીડ આવીને નષ્ટ ન કરે એ પણ એટલું જ જરૂરી છે. બાપુએ વિદ્યાર્થીઓને દયા, દાન, વિદ્યા જેટલું વાપરીએ એટલું વધે એમ જણાવી ઉમેર્યું હતું કે, નદી પોતે પાણી પીતી નથી, વૃક્ષો પોતે ફળ ખાતા નથી, એ રીતે ડિગ્રી મેળવ્યા બાદનું તમારું જીવન બીજાના પરોપકાર માટેનું હોવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને પાંચ ગુણો પોતાના જીવનમાં ઉતારવાનું આહ્વાન કર્યુ હતું.

આ પ્રસંગે અતિથિ વિશેષ પદેથી પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે ગોવિંદગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરિશ્રમ કરીને આગળ વધાવા અનુરોધ કર્યો હતો. કુબેર ડીંડોરે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યોની જાળવણી કરવાની શીખ આપતા જણાવ્યું હતું. કે, સતત શીખતા રહે, વિકસતા રહે એ આગળ વધે છે. જેમ જ્ઞાનના પ્રકાશથી કળી ખીલે છે એનો પ્રકાશ ખીલશે ત્યારે શિક્ષણની સુવાસ સમાજને આપતા રહેજો, કોઈ ફૂલ પોતાના માટે સુગંધ રાખતું નથી. મંત્રીએ પંચમહાલ, દાહોદ અને મહીસાગરની ધરતી ઉપર અંગ્રેજો થાણાં સ્થાપી શક્યા નહોતા એ માટે ગોવિંદગુરૂના કાર્યોને અને ઈતિહાસને યાદ કર્યો હતો. આ સમારોહમાં રાજ્યકક્ષાના ઉચ્ચશિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરી, પ્રામાણિકતા તેમજ મૂલ્યનિષ્ઠાથી જે નોકરી મળી છે. તેનો ઉપયોગ સમાજ માટે કરવા અનુરોધ કર્યો હતો. નાનામાં નાની કીડી મરે નહીં એવા અહિંસા ધર્મ, દયા પ્રેમ, કરૂણા થકી અંત્યોદય લોકો માટે કામ કરવાનીએ પ્રેરણા ડિગ્રીધારકોને આપી હતી. ત્યારે વિવિધ મહાનુભવોના હસ્તે આ દિક્ષાંત સમારોહમાં ૪૪ વિદ્યાર્થીઓ–વિદ્યાર્થીઓની સુવર્ણચંદ્રક અને 4076ને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વિનયન, શિક્ષણ, વિજ્ઞાન, કાયદા, તબીબી, વાણિજ્ય, આર્કિટેક્ચર એમ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. સ્વાગત પ્રવચનમાં ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે 91 કોલેજ અને 67,000 વિદ્યાર્થીઓ હતા. આજે 270 કોલેજો અને મહીસાગર, બરોડા ગ્રામ્ય, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના પાંચ જિલ્લાની દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ અહીં વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ મેળવી રહ્યા છે. 1,20,000 સ્કવેર ફીટમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ફેલાયેલી છે. 200 વિદ્યાર્થી રિસર્ચ કરીને સરકારમાંથી ચાર લાખ રૂપિયાની સ્કોલરશીપ મેળવી રહ્યા છે. 850 વિદ્યાર્થી પીએચ.ડી. કરી રહ્યા છે. 3000 વિદ્યાર્થી ઈનડોરગેમ રમી શકે એવું સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે.

પૂજ્ય મોરારી બાપુના હસ્તે યુનિવર્સિટીના સંકુલમાં તૈયાર થયેલી નવી કેંટીનનું ઈ-લોકાર્પણ કરાયું હતું. તેમજ યુનિવર્સિટીનું નવું એન્થમ પણ લોંચ કરાયું હતું. આ દિક્ષાંત સમારોહમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર, નિમિષાબેન સુથાર, સી.કે. રાઉલજી, જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી, પંચમહાલ જિલ્લાના ક્લેકટર આશિષકુમાર, ડીડીઓ ડી.કે.બારિયા તેમજ વિવિધ પદાધિકારીઓ, યુનિવર્સિટીના ડીન, પ્રાધ્યાપકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here