અમદાવાદ શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 73 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં તેમણે ચેનપુર ખાતે ક્રેડાઇના સભ્યો દ્વારા બનાવવામાં આવેલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 9 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં આંખે દેખાય તેવો વિકાસ કર્યો છે. તેમણે ક્રેડાઇ દ્વારા બનાવવામાં આવેલા બગીચાના લોકાર્પણ પ્રસંગે ક્રેડાઇના સભ્યોને અનુરોધ કર્યો હતો કે, તેમણે બનાવેલી જૂની સોસાયટીઓમાં પણ જો તેઓ 25 વૃક્ષો વાવશે તો તે શહેરના સ્વચ્છ હવામાનની દિશામાં તેમની વધુ એક શુભેચ્છા હશે. જેમાં એક પીપળો પણ વાવવા તેમણે અનુરોધ કર્યો હતો. 66 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું અને ચેનપુર ખાતે ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વધતી જતી શહેરીકરણની પ્રક્રિયામાં ક્યાંક વિસામાની જગ્યા લાગતી હોય તો તે ગાર્ડન છે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. તેમણે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ઓપરેશન્સ, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને અન્ય સુવિધાઓની અદ્યતન સ્થિતિની માહિતી મેળવી હતી. ઉપરાંત મેટ્રો રેલની કામગીરીનું મુલ્યાંકન કર્યુ હતુ. કેન્દ્રિય ગૃહ મંત્રી શાહે વર્ષ 2036માં યોજાનારા ઓલિમ્પિકસની રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન નિહાળીને સૂચનો કર્યા હતા. આ સાથે કાળી ગામનાં તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું સૂચન કર્યું હતું.