Home ક્ચ્છ કચ્છ યુનિવર્સિટી ખાતે જૈન સ્ટડી સેન્ટર અને IAS ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ કરાયો

કચ્છ યુનિવર્સિટી ખાતે જૈન સ્ટડી સેન્ટર અને IAS ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ કરાયો

170
0

કચ્છ: 14 મે


આજરોજ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા વિવિધ વિકાસ કાર્યો નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયા.
કચ્છ યુનિવર્સિટી ખાતે તપાગચ્છાધિપતી, આચાર્યશ્રી મનોહર કીર્તીસાગર સુરેશ્વરજી મહારાજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડિઝ અને જશવંતભાઇ કલ્યાણજીભાઇ ગાંધી IAS ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૧૦૮ ટ્રક ઘાસ વિતરણ, પશુ એમ્બ્યુલન્સ લોકાર્પણ, અદાણી ફાઉન્ડેશન દ્વારા ૭૪૦ સુપોષિત કીટ આંગણવાડીના બાળકોને આપવામાં આવી તેમજ સમસ્ત જૈન સમાજ દ્વારા સાંસદશ્રી પાટીલની રજતતુલા કરવામાં આવી હતી.
નવસારી સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે આ તકે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી કુપોષણને દુર કરવા અનુરોધ કરૂં છું કે, કુપોષિત બાળકોને ત્રણ માસ સુધી દૈનિક આહાર પહોંચાડો.
માત્ર ઉધોગ જ નહીં શિક્ષણ ક્ષેત્રે નામના કરી રહેલા કચ્છનાં નવા પ્રારંભ શિક્ષણ કેન્દ્રોથી કચ્છના યુવાઓને લાભ થશે. કચ્છીઓનો કચ્છ પ્રેમ નોંધનીય છે. ભૂકંપ વખતે પણ તત્કાળ કચ્છીઓને મદદ માટે માદરે વતન પહોંચી ગયેલા. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇની સરકારી કામગીરીની સહાયથી તેઓએ કચ્છને ફરી દોડતું કરી દીધું છે. જીવદયામાં જૈનો અગ્રેસર છે. મારી રજતતુલામાંથી રૂ.૫ લાખનું રજત વિવિધ સંસ્થાઓને જીવદયાના કાર્યો માટે અપાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, કચ્છ માટે આ ઐતિહાસિક ઘડી છે. જૈન સમાજોના ગુરૂશ્રી મનોહર કીર્તી સાગર સુરીશ્વરજીના નામે જૈન સ્ટડીઝ સેન્ટર ભુજ ખાતે પ્રારંભ થઇ રહયું છે તેમજ IAS તાલીમ સેન્ટરના પ્રારંભથી ભવિષ્યમાં ઉત્તમ વહીવટકર્તાઓ સમાજને મળશે.
રાજય સરકાર લોકોની લાગણી અને માંગણી સાથે રહી છે. નર્મદાના નીર માટે કચ્છીઓના પડખે સરકાર ઉભી છે.
જૈન ધર્મ અને સમાજ દયા, સેવા સમર્પણ, ત્યાગ જેવી અનેક અનુકરણીય જીવનશૈલી સાથે માતબર દાન-સેવા કરે છે. કચ્છના ગામોમાં વરસાદ ના આવે ત્યાં સુધી માંગણી મુજબ પણ જૈનો દ્વારા પશુઓ માટે ઘાસચારો વિતરણ કરાય છે.
આ તકે દાનવીર દાતા સ્વ.તારાચંદભાઇ છેડાની દાનપ્રવૃતિને અધ્યક્ષાશ્રીએ યાદ કરી IAS સેન્ટરના દાતાશ્રી મેહુલભાઇ જસવંતભાઇ ગાંધી પરિવારનો પણ આ તકે આભાર માન્યો હતો તેમજ સુપોષિત કીટ દ્વારા આંગણવાડીના બાળકો સ્વસ્થ બનશે તેમ પણ જણાવ્યું હતું.
સ્વાગત પ્રવચનમાં સમસ્ત જૈન સમાજ અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી હિતેશભાઇ ખંડોરે વિકાસ કામોની માહિતી પુરી પાડી જણાવ્યું હતું કે, કચ્છ-ભુજ ખાતે પ્રારંભ થયેલા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટીડીઝ વિશ્વમાં વસતા જૈનો માટે બહુ ઉપયોગી બનશે તેમજ IAS ની તાલીમ મળી શકશે.
મુખ્ય દાતા અને શ્રી બુધ્ધિસાગર સમધિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મેહુલ ગાંધીએ સૌનો ઋણ સ્વીકારતાં જણાવ્યું હતું કે, અમારા વિચારને વાસ્તિવકરૂપ આપી મૂર્તિમંત કરનાર કચ્છ યુનિવર્સિટી અને સરકારનો આભાર.
ભુજ નગરપાલિકાના કાઉન્સીલરશ્રી ધીરેનભાઇ લાલને કાર્યક્રમની આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, કચ્છ જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, ભુજ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, અગ્રણી સર્વશ્રી હિતેશભાઇ ચૌધરી, કિશોરભાઇ મકવાણા, જયકુમાર ગુપ્તા, તેજાભાઇ કાનગડ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ડો.શ્રી જયરાજસિંહ જાડેજા, મુખ્ય દાતાશ્રી મેહુલ ગાંધી, હંસાબેન જશવંતભાઇ ગાંધી, જીગરભાઇ છેડા, કાનજીભાઇ કાપડી, વિવિધ જૈન સમાજોના અગ્રણી સર્વશ્રી પ્રબોધભાઇ મુનવર, સ્મિત ઝવેરી, મહેન્દ્ર શાહ, કિર્તી શાહ, વિનોદ મહેતા, ધીરજ દોશી, વાડીલાલ મહેતા, વસંત ખંડોર, નિલેશ મહેતા, કૌશલ મહેતા તેમજ અગ્રણી જૈનમુનિઓ, ગામના જૈન અગ્રણીઓ તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here