Home સુરેન્દ્રનગર તરણેતરના મેળાના આકર્ષણ ગ્રામીણ ઓલિમ્પિકની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી, રસ્સાખેંચની સ્પર્ધા નિહાળી ખેલાડીઓનો...

તરણેતરના મેળાના આકર્ષણ ગ્રામીણ ઓલિમ્પિકની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી, રસ્સાખેંચની સ્પર્ધા નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

186
0

સુરેન્દ્રનગર : 1 સપ્ટેમ્બર


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સુરેન્દ્રનગરના તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. તરણેતરના મેળામાં થતી ગ્રામીણ ઓલિમ્પિક્સ સ્પર્ધાઓ લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીગણ સાથે ગ્રામીણ ઓલિમ્પિક્સની મુલાકાત લીધી હતી. તેમણે રસ્સા ખેંચની રસાકસીભરી સ્પર્ધા નિહાળી હતી. બાદમાં મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીગણે વિજેતા ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સ્પર્ધાઓમાં ભાગ લેવા બદલ બધા ખેલાડીને બિરદાવ્યા હતા અને ગ્રામ્ય સ્તરે સ્થાનિક ખેલાડીઓને માટે સુંદર પ્લેટફોર્મ નિવડેલા ગ્રામીણ ઓલિમ્પિકના વિચારને વધાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૪માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. ૨ વર્ષ બાદ આ સ્પર્ધાઓ યોજાતા તેમને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામીણ ઓલિમ્પિકમાં માટલા દોડ, લાડુ ખાવાની સ્પર્ધા, રસ્સા ખેંચ, સ્લો સાયકલિંગ, નાળિયેર ફેંક, સાતોડી જેવી દેશી અને ભુલાતી જતી રમતો તેમજ દોડ, કૂદ, વોલીબોલ, કુસ્તી સહિતની જાણીતી રમતોની સ્પર્ધા યોજવામાં આવે છે. આ વર્ષે પણ આ સ્પર્ધાઓના વિજેતાઓને વિવિધ કેટેગરીમાં ૨ લાખથી વધુના ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ તકે કેન્દ્રિય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, રાજ્યમંત્રી શ્રી અરવિંદ રૈયાણી, જિલ્લા પ્રભારીમંત્રી શ્રી દેવાભાઈ માલમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here