નવલા નોરતાની શરૂઆત થઇ ગઈ છે અને ગુજરાતીઓ ગરબે રુૂમેને ઝુમે રમી રહ્યા છે. લોક માન્યતા અનુસાર નવરાત્રી માત્ર પર્વ નથી દરેક ગુજરાતીઓ માટે લાગણી છે. માતાજીની આરાધના, પૂજા, અર્ચના તો કરવાની જ હોય પણ સાથે સાથે માતાજી દરેક ખૈલૈયાઓને એટલી તાકાત આપે છે. કે આખી રાત ગરબા રમ્યા પછી પણ સવાર સવારમાં કામ,ધંધા અને નોકરી પર સમય સર પહોચી જવાય છે. આ બધામાં મહત્વની વાત તો છે કે એક સમય માટે ગુજરાતીઓને પોતાનો જન્મ દિવસ પર એટલી ખુશી નથી હોતી જેટલી આ પર્વમાં એક એક દિવસની હોય છે. હા એ ખરું કે સમય કરતા વધુ કીમતી કઈ નથી હોતું પણ એક ગુજરાતી માટે સમય કરતા પણ વધુ મહત્વ અને કિંમત આ પર્વ હોય છે.
લોકો પાસેથી નવરાત્રી (NAVRATRI 2023) વિષે એવું અવનવું અને આશ્ચર્ય પમાડે તેવું જાણવા મળ્યું.. કે નવરાત્રી પર્વ એ માત્ર પર્વ નથી અમારા માટે પ્રેમ,સિદ્ધિ,લાગણી,ઉપાસના,નૃત્ય અને સર્વસ્વ છે. સાથે જ રંગબેરંગી,ભરતગૂંથણ અને આભલાથી જડેલી ચણીયાચોળી,કુર્તા અને કેડિયાનો પોશાક સંસ્કૃતિ સાથે જકડી તો રાખે જ છે પરંતુ ગુજરાતી હોવાનું ગૌરવ પણ અપાવે છે. સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે આખુય વર્ષ પૈસાની બચત કરતુ વ્યક્તિ આ પર્વ પર પૈસા પોતાની અને પરિવારની ખુશી માટે વાપરવામાં જરાય ખચકાતું નથી. મોડી રાત્રે જે પણ ખાવું પીવું હોયએ દિલ ખોલીને મજા કરે છે અને પરિવારને કરાવે છે. ખરી વાત તો એ છે કે જીવનમાં ચાલી રહેલી તકલીફો અને માનસિક તણાવ ગરબા રમતી વખતે ખબર નહિ ક્યાં જતા રહે છે બસ મન મુકીને ગરબે રમી લેવા મન થનગનાટ કરતુ હોય છે. નવરાત્રી પર્વ ક્યાંકને ક્યાંક સ્ટ્રેસ રીલીફની દવા જેવું કામ કરે છે. ત્યારે ગુજરાતીનું મન અચૂક બોલી ઉઠે છે “જે થશે એ જોયું જશે પેલા ગરબા રમી લઉં”… તો બીજી તરફ આખી રાત ગરબા રમીને બીજા દિવસે કામ પર પરત ફરવાનું થાય એટલે ઉંઘમાં કે ખુલ્લી આંખે ગુજરાતીના મગજમાં એક વિચાર તો આવેજ કે “જો નવરાત્રીના નવ દિવસ દરમિયાન જાહેર રજા હોત તો કેવી મજ્જા હોત”
અહેવાલ – ક્રિષ્ના પટેલ અમદવાદ