ગરબા રમવાની પરંપરા 5000 વર્ષ પૂર્વેથી ચાલી આવે છે. અને ગરબો એ ગુજરાતીઓની આગવી કળા છે. વિક્રમ સવંતના છેલ્લા દિવસોમાં શ્રાદ્ધ પછી નોરતાં શરુ થાય છે. વરસાદે વિદાય લીધી હોય કે ન લીધી તોય ત્યાં તો નવલાં નોરતાની ઋતુ આવી પહોચે છે. આપણી ભાષાના વિદ્વાન સર્જકોએ ‘ગરબા’ના અર્થ વિશે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે.છિદ્રવાળા ઘડાને ‘ગરબો’ કહે છે. “અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને ‘ગરબો કોરાવવો’ કહે છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને આજે પણ ગરબો જ કહેવામાં આવે છે.” ત્યાં નવરાત્રીમાં ગરબો માથે લઇને અથવા વચ્ચે સ્થાપી કુંડાળું કરીને ગાવાની પરંપરા છે. વાત કરીએ રાસની તો રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો હોવાથી આપણું પ્રાચીનતમ સ્વરૂપ છે એમ કહી શકાય. ગરબો એ પર્ફોર્મિંગ આર્ટ છે. એ સમયથી આજ દિન સુધી પરંપરાગત ગરબા રમાય છે.
ગરબા રમવાને જેટલું મહત્વ આપણે આપીએ છીએ ત્યારે એક ગુજરાતી તરીકે ગરબા વિશે થોડી ઘણી જાણ હોવી જરૂરી છે. પ્રથમ ગરબો લખનારનું નામ વલ્લભ મેવાડા છે. મળતી માહિતી અનુસાર ઇતિહાસમાં ડો.કલ્લોલિની હઝરતે ગરબા વિશે એક પુસ્તક લખ્યું છે. જે પુસ્તકનું નામ “ મારો ગરબો ઘૂમ્યો” છે.એ પુસ્તકમાં આપેલી માહિતી મુજબ, “ગરબો સંજ્ઞાની આસપાસ ત્રણ નામ જુદી-જુદી ભૂમિકાએ સંકળાયેલાં છે. એ ત્રણ નામ તે નરસિંહ મહેતા, ભાણદાસ અને વલ્લભ મેવાડો છે. આ લોકો મૂળથી જ ગરબાની રચના સાથે જોડાયેલા છે.આમ કૃષ્ણભક્તિ અને આદ્યશક્તિની આરાધના રાસ અને ગરબા સાથે લગભગ સમાંતરે સંકળાયેલાં છે.ધીરે ધીરે માતાજીના નોરતાંમાં ગરબાથી આ પરંપરા જળવાઈ રહી છે. જાણીને ગૌરવ અનુભવાય કે કળાઓ ભર્યો ઈતિહાસ આજે પણ ગરબા થકી જીવંત છે.
અહેવાલ – ક્રિષ્ના પટેલ