આસામના ગુવાહાટીના નિલાંચન પર્વત પર આવેલું છે કામાખ્યા દેવી મંદિર. આ મંદિર દેશના 51 શક્તિપીઠો પૈકી એક છે. ત્યારે આ મંદિરમાં એવી ઘણી રસપ્રદ ઘટનાઓ બને છે જે વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દે છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. અહીં મૂર્તિની જગ્યાએ યોની-કુંડ છે. જે ફૂલોથી ઢંકાયેલ છે. આ તળાવની વિશેષતા એ છે કે તેમાંથી હંમેશા પાણી નીકળતું રહે છે.
શાસ્ત્રોકત અનુસાર માતા સતીના શરીરના અંગો જે જગ્યાએ પડ્યા તે જગ્યાને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ કામાખ્યા મંદિરની જગ્યા પર માતા સતીની યોનિનો ભાગ પડ્યો હતો. જેથી આ 51 શક્તિપીઠમાંનુ એક છે. આ મંદિરમાં પુરુષોને વર્ષમાં 3 દિવસ જવાની મનાઈ છે. તો ચાલો જાણીએ આ પાછળનું શું છે કારણ ?
આ ત્રણ દિવસ મંદિર બંધ રહે છે
22 જૂનથી 25 જૂનની વચ્ચે મંદિરના દરવાજા બંધ રહે છે, આ દરમિયાન બ્રહ્મપુત્રા નદીનું પાણી લાલ રહે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં માતા સતી માસિક ધર્મમાં હોય છે. આ 3 દિવસ સુધી પુરુષોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. તે જ સમયે, મંદિર 26 જૂને સવારે ભક્તો માટે ખોલવામાં આવે છે, ત્યારબાદ ભક્તો દેવી માતાના દર્શન કરી શકે છે. અહીં ભક્તોને અનોખો પ્રસાદ મળે છે. દેવી સતીના માસિક ધર્મને કારણે ત્રણ દિવસ સુધી દેવી સતીના દરબારમાં સફેદ કપડું રાખવામાં આવે છે. ત્રણ દિવસ પછી, જ્યારે કપડાનો રંગ લાલ થઈ જાય છે, ત્યારે તે ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
શું છે પૌરાણિક કથા
માતા સતીના પિતા દક્ષ દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જાણી જોઈને ભગવાન શિવને આમંત્રણ આપ્યું ન હતું. તે જ સમયે, શંકરજીએ તેમને અટકાવ્યા પછી પણ સતી જીદ કરીને યજ્ઞમાં ભાગ લેવા ગયા હતા. જ્યારે દક્ષ દ્વારા ભગવાન શિવનું અપમાન થયું, ત્યારે સતી માતાને ખૂબ જ દુઃખ થયું. અને તેમણે યજ્ઞ અગ્નિમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી.
જ્યારે ભગવાન શંકરને આ વાતની જાણ થઈ ત્યારે ક્રોધમાં તેમની ત્રીજી આંખ ખુલી ગઈ. તે પછી, ભગવાન શંકરે યજ્ઞકુંડમાંથી સતીના નશ્વર અવશેષોને બહાર કાઢ્યા, તેમને ખભા પર ઊંચક્યા અને દુ:ખમાં અહીં-ત્યાં ભટકવા લાગ્યા. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના શરીરનાં ટુકડા કરી નાખ્યા હતા. જ્યાં પણ માતા સતીના શરીરના ટુકડા પડ્યા, તે તમામ સ્થાનોને 51 શક્તિપીઠ કહેવામાં આવે છે. આસામના આ સ્થળે માતા સતીની યોનિનો ભાગ પડ્યો હતો.
ઓળખ શું છે
આ મંદિરમાં એવી માન્યતા છે કે બહારથી આવતા ભક્તો તેમના જીવનમાં ત્રણ વખત દર્શન કરે છે તેઓને સાંસારિક બંધનોમાંથી મુક્તિ મળે છે. આ મંદિર તંત્ર વિદ્યા માટે પણ જાણીતું છે. આ જ કારણ છે કે જ્યારે મંદિરના દરવાજા ખુલે છે ત્યારે દૂર-દૂરથી ઋષિ-મુનિઓ અને તાંત્રિકો દર્શન કરવા આવે છે.
DISCLAIMER
આ અહેવાલમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો દ્વારા મેળવવામાં આવી છે. જેની TRENDING GUJARAT પુષ્ટિ કરતું નથી.