યાત્રાધામ ડાકોરમાં વાર તહેવારે અને રજાના દિવસોમાં મોટા પ્રમાણમાં ભક્તો રાજા રણછોડના દર્શનાર્થે આવતા હોય છે. જેને લઇ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર દુકાનો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા કરવામાં આવતા દબાણને કારણે સમસ્યા વધારે વકરી હતી.
મંદિર ખાતે લોકોની વધારે અવરજવરના કારણે અને વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં તંત્ર દ્વારા ફક્ત દુકાનોની બહારના દબાણ હટાવીને ટ્રાફિક પોલીસની યોગ્ય જવાબદારીઓ પૂર્ણ કરી દે છે. ટ્રાફિકની સમસ્યાનું સમાધાન છેલ્લા ઘણા સમયથી થતું જ નથી. અને લોકો મન ફાવે તેમ પોતાના વાહનો પાર્ક કરીને ચાલ્યા જતા હોય છે.
શહેરના ગોપાલ પૂરા, ગણેશ ટોકિસ, ગાંધીના પૂતળા, બોડાણા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવતું જ નથી. ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ લોકો વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતા અને દુકાનોના કાઢેલા દબાણથી લોકોને હેરાન થવાની વારી આવી હતી. થોડા દિવસ પહેલા નગરપાલિકા ચીફ ઓફિસરે જેસીબી દ્વારા દબાણ હટાવ્યું હતુ. પરંતુ બીજા દિવસથી પાલિકા પણ મૌન સાધીને બેસી ગઈ હતી. ત્યારે દરરોજની આ ટ્રાફિક સમસ્યાને કારણે લોકોને પરેશાન થવાની વારી આવી છે. આ બાબતે ચીફ ઓફિસરને ફોન કરતાં તેઓનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો.