ખેડાના મહિજ ગામની સીમમાંથી પસાર થતી મેશ્વો કેનાલમાં પરીક્ષામાં પાસ થયાની ખુશીએ તો કિશોરના જીવ લીધા. ઘટનાની વાત કરીએ તો મેશ્વો કેનાલમાં ન્હાવા પડેલા અમદાવાદના હાથીજણના બે કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જે સમાચારથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે તો દિકરાને ગુમાવનાર પરિવાર પર આભ તુટી પડ્યું છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ રાધેશ્યામ હાઉસિંગ બોર્ડમાં રહેતા મોહિતકુમાર કેદાર પ્રસાદ ભગત , જયસ્વાલ પ્રાંજલ અજયભાઈ અને સચિન જેસંગભાઈ રાજપૂત ત્રણેય મિત્રો શાળાએ ઘરેથી મોપેડ લઈને મોહિતના ધોરણ 10નું પરિણામ લેવા ગેરતપુર નૂતન સ્કૂલમાં ગયા હતા. જ્યાં મોહિત પાસ થઈ જતાં ત્રણેય મિત્રો ઘરે જવાની જગ્યાએ કેનાલમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણેય મિત્રો ખેડાના મહિજથી પસાર થતી મેશ્વો કેનાલ પર સવારે 11:00 વાગ્યે પહોંચ્યા હતા. પહેલા તો ત્રણેય મિત્રો નાની કેનાલમાં નાહવા માટે પડ્યા અને થોડીવાર પછી બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં નાહવા પડવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં મોહિત અને પ્રાંજલ બંને નહાવા માટે કેનાલમાં પડ્યા હતા. જોકે કેનાલમાં વધુ પાણી હોવાથી સચિન નાહવા માટે અંદર પડ્યો ન હતો. થોડીવાર થતાં બંને મિત્રો કેનાલમાં ન દેખાતા સચિને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને બનાવની જાણ પોલીસને કરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી કેનાલમાં ગુમ થયેલા બંને કિશોરોની શોધખોળ ચાલુ કરતા સાંજે 5 વાગ્યાના અરસામાં મોહિત અને પ્રાંજલના મૃતદેહ મળી આવ્યા હતા.
કિશોરો કેનાલમાં ડૂબ્યાની જાણ થતા તેમના માતા પિતા,પોલીસ, તલાટી, સરપંચ અને કેનાલ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સવારે 12 કલાકે કેનાલમાં ડુબેલા બે કિશોરોને તરવૈયાઓની મદદથી પાંચ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ખેડા પોલીસે બંને કિશોરના મૃતદેહને ખેડા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પરિવારે પોતાના બાળકોને બહાર કઢાયા બાદ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બંને કિશોરોના મોત થતા પરિવારજનોના આક્રંદથી ગમગીની વ્યાપી ગઇ હતી.