Home પંચમહાલ જીલ્લો કાલોલમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને તો ઇંટોના ભઠ્ઠાઓને ભારે નુકસાનની ભિતી

કાલોલમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને તો ઇંટોના ભઠ્ઠાઓને ભારે નુકસાનની ભિતી

132
0

શિયાળાની ફુલગુલાબી ઠંડીના પ્રારંભ વચ્ચે રવિવારે સવારે વાતાવરણના પલટવાર સાથે વાદળછાયું વાતાવરણ સર્જાઈને કાલોલ તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો, પશુપાલકો અને ઈંટોના ભઠ્ઠા માલિકોની હાલત કફોડી બની હતી. જ્યારે તાલુકાના વ્યાસડા ગામમાં વીજળી પડતાં એક બળદનું મોત થયું હતું.

શિયાળાના પ્રારંભે દેવ દિવાળીના તહેવારો દરમ્યાન જ હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે વહેલી સવારથી ગુજરાતભરમાં વાતાવરણે કરવટ બદલતા સવારે વીજળીના કડાકા સાથે પંચમહાલ જિલ્લા સાથે કાલોલ તાલુકામાં પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો. આમ શિયાળાની વહેલી સવારે આવેલા કમોસમી વરસાદને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિસ્તારમાં મોટાભાગના ગામોમાં હાલ તૈયાર થયેલા ડાંગરના પાકની કાપણી ચાલી રહી છે જેથી કમોસમી વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલા પાકની કાપણી, સુકવણી અને ઘાસચારાને અવેરવા કે ઢાંકવા માટે ખેડૂતોને દોડધામ કરવી પડી હતી. તદ્ઉપરાંત ખેતરોમાં ઉભા રવિપાક એવા ગુવાર, કપાસ, રાયડો વગેરે પાકોને પણ કમોસમી વરસાદની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને ખેડૂતોએ પશુપાલન માટે રાખી મુકેલ ઘાસચારામાં મોટા પાયે નુકશાન પહોંચાડે તેવા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

જ્યારે બીજી તરફ કાલોલ પંથકમાં અનેક ઈંટોના ભઠ્ઠાઓ આવેલા હોય કમોસમી વરસાદથી ઈંટોના ભઠ્ઠાઓ ધરાવતા માલિકોની હાલત પણ કફોડી બની જવા પામી છે. ઈંટોના ભઠ્ઠાના માલિકોની વ્યથા અનુસાર ચોમાસું સિઝન પુરી થતાં યેનકેન પ્રકારે સરકારી રોયલ્ટી મેળવીને મોંઘા બની ગયેલા પરપ્રાંતીય શ્રમિકોને લાવીને દિવાળીના તહેવારો પછી ઈંટો પાડવાનો પ્રારંભ કર્યો હતો અને કાચી ઈંટો સુકાતી હોય એ મધ્યે કમોસમી વરસાદ તુટી પડતાં ખુલ્લા ખેતરમાં પડેલી કાચી ઈંટોને વ્યાપક નુકસાન થતું હોય છે જેને પગલે બહોળા પ્રમાણમાં કાચી ઈંટો ધરાવતા માલિકોને કમોસમી વરસાદે રાતા પાણીએ રોવડાવ્યા હતા.

કાલોલ તાલુકા વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે આવેલા કમોસમી વરસાદ વચ્ચે વ્યાસડા ગામની સીમમાં રહેતા ખેડૂત ભગવાનસિંહ તખતભાઈ પરમારના વસવાટ નજીકમાં રાબેતા મુજબ વડના ઝાડ નીચે બાંધેલો વીજળીના કડાકાની ચપેટમાં આવી જતાં ઘટના સ્થળે જ બળદનું મોત નિપજ્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતના જણાવ્યા અનુસાર ઘર નજીક જ જે વડ નીચે બળદ બાંધ્યો હતો એ વડ પર વીજળી ત્રાટકતાં થોડા સમય માટે આખા વડ પર વીજળીની ચપેટમાં આવેલી ડાળીઓ અને પાંદડાઓ પર અંગારા પણ ચટકતા હતા અને પછી ભયંકર કડાકો થયો હતો. આવા ભયના ઓથાર નીચે ખેડૂત પરિવારે પોતાના બળદને આંખના પલકારામાં રામ રમી ગયેલો જોતાં ખેડૂત પરિવારમાં ભારે શોક છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here