પાટણ : 27 ઓગસ્ટ
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એન એસ એસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારંગાની ગિરિકંદરાઓમાં આવેલા અત્રિ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રાકૃતિક અને નૈસર્ગિક વાતાવરણ વચ્ચે તુલસીના પાન અને ખાદીના રૂમાલથી સૌ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રો. જે જે વોરા, રજીસ્ટાર શ્રી પ્રો. રોહિતભાઈ દેસાઇ, એન એસ એસ કો ઓર્ડીનેટર ડૉ. જે ડી ડામોર, પર્યાવરણ વિદ મહેન્દ્રભાઇ પટેલ, અત્રિ આશ્રમના પ્રમુખ મંગળભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, શાંતિભાઈ પટેલ, ડો કે કે પટેલ, ડો. સ્મિતાબેન વ્યાસ સહિત પત્રકારો અને પર્યાવરણ પ્રેમીઑ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સદભાવના ટ્રસ્ટના મંત્રી અને પર્યાવરણવિદ મહેન્દ્રભાઇ પટેલે આશ્રમની પ્રવુતિઓ વિષે જણાવ્યું હતું કે તેઓ આશ્રમ થકી ગ્રામ્ય રોજગારી, યુવા ઘડતર, કુટુંબ પ્રબોધન, યુવા સંસ્કાર ઘડતર સહિત તારંગાની ગિરિકંદરાઓમાં હરિયાળી આવે તે માટે પર્યાવરણનું અભિયાન ૨૦૨૦થી ચલાવી રહ્યા છે. પરિવારોમાં સ્નેહ, સેવા, સમર્પણ, સંસ્કાર, સંસ્કૃતિ દર્શન ની સાથે સાથે પર્યાવરણ જાગૃતિ પણ લાવવી જરૂરી છે. આશ્રમ ખાતે યુવાનો ધ્યાન, વાંચનની સાથે સાથે ટ્રેકિંગ અને પર્યાવરણના જતન વિષે જાગૃતિ આપવાનું કામ કરવામાં આવે છે. દેશભરમાંથી લુપ્ત થતી ૨૦૦ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિના પુનઃ જીવનનું કામ સદભાવના ટ્રસ્ટ કરી રહ્યું છે અને આ ભગીરથ કામમાં પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જોડાતા હવે શિક્ષિત યુવાનો પણ આ અભિયાનમાં જોડાયા છે જેથી આ કામનો આનંદ બેવડાયો છે. અહી કૃષિ, પશુપાલન, મધપાલનની તાલીમ પણ આપે છે. ૨૦૨૦ પછી અહી ૨૦૦ જેટલી પ્રકારની વનસ્પતિના ૧૨ હજાર રોપા તૈયાર કરી વાવેતર કરાયા છે અને તેનું જતન થઈ રહ્યું છે. અરવલ્લીના ડુંગરાઓને પુનઃસ્થાપનમાં આ વન્ય સંપદા જરૂરી છે અને તેમાં યુનિવર્સિટીનું જોડાણ નવું પીઠબળ આપશે.
આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટાર ડો. રોહિત દેસાઇએ જણાવ્યું હતું કે, હજારો વૃક્ષો વાવવા કરતાં ૫૦ વૃક્ષોનું જતન થાય તેવું નક્કર આયોજન જરૂરી હોય છે. ત્યારે યુનિવર્સિટી અત્રિ આશ્રમ સાથે મળી યુવાનોને સાથે રાખી આ ભગીરથ કામ હાથ ધર્યું છે જેમાં પાટણના મીડિયામિત્રો પણ જોડાય તે આનંદની વાત છે. યુવાનો શિક્ષણની સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવતા વૃક્ષો વાવી પ્રકૃતિનું જતન કરશે તો રાષ્ટ્રને ઉપયોગી બનશે. તેમનામાં આ સંસ્કારના બીજ રોપાશે તો દેશની પ્રગતિ અને માં ભારતીનો વૈભવ વધશે.
આ પ્રસંગે પર્યાવરણવિદ શાંતિભાઈ પટેલે સૌને ચોમાસા પહેલા અને દરમ્યાન વૃક્ષોનું જતન સંવર્ધન કેવી રીતે કરવું તે સમજાવ્યું હતું.
આ પ્રસંગે પત્રકાર યશપાલ સ્વામીએ પણ પર્યાવરણ બચાવવું એ સૌનો ધર્મ છે. કોરોના કાળે સૌને ચેતવ્યા છે કે ઑક્સીજનની જરૂરિયાત કેટલી અગત્યની છે, વૃક્ષોનું જતન થશે તો વાતાવરણ સંતુલિત રહેશે.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, આ ભગીરથકામ છે. પર્યાવરણ પ્રેમીઑ અને શિક્ષિત યુવાનો દ્વારા પધ્ધતિસર છોડનું વાવેતર થયું તે વરસાદ અનુકૂળ વરસતા આજે આ ડુંગરાઓ હરિયાળા બન્યા છે. અને હજુ પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અવિરત ચાલુ છે. સાથે સાથે લુપ્ત થતી વનસ્પતિ વિષે અને તેના ઉછેર વિષે યુનિવર્સિટી એક પુસ્તક પણ બહાર પાડશે. જેમ હિમાલયમાં ઊગતી વનસંપદા વિષે પુસ્તક ઉપલબ્ધ છે તેમ આ વિસ્તારમાં અરવલ્લીની ગિરિકંદરાઓનું પુસ્તક બનશે તો સમાજ અને યુવાનો પણ પર્યાવરણ બચાવવા આગળ આવશે. સાથે સાથે યુનિવર્સિટીને રાજ્ય સરકારે ટુરિઝમ ડેવલોપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવી છે. જેમાં આરકીઓલૉજી, સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ જોડી આપણાં ઐતિહાસિક ઈમારતોનો બચાવ કરવા પ્રયત્નશીલ બનીશું તેમણે અહી આવેલા તારણ ધારણ માતાના દર્શન કરી બૌધ્ધ ગુફાના ઇતિહાસને પણ ઉજાગર કરવા યુનિવર્સિટી પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.
આજે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન કૈલાસપતિ, રાજાપુરી આંબો, સીતાફળ, ફણસ, જીવંતીકા, પારિજાત, રાયણ, કાંઠા, સહિતની ૩૬ દેશીકુળની વનસ્પતિ વાવવામાં આવી હતી.
સાથે સાથે આ વિસ્તાર ઇકો ટુરિઝમની સાથે એગ્રી ટુરિઝમ તરીકે વિકસિત બને તે દિશામાં પ્રયત્નશીલ બનવા સૌએ સંકલ્પ કર્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સદભાવના ટ્રસ્ટ વચ્ચે પર્યાવરણ સંદર્ભે થયેલા એમ ઑ યુ અંતરગત થયેલા વૃક્ષારોપણ થકી તારંગાના ડુંગરો બની રહ્યા છે હરિયાળા