એક તરફ સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવાઈ રહી હતી. તો બીજી તરફ ગાંધીના જ ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી. ગુજરાતના આર્થિક પાટનગર એવા અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાંથી ગાંધી જયંતિના દિવસે જ દારૂ ઝડપાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલને આ મોટી સફળતા મળી છે.
ગાંધી જયંતિએ પણ બૂટલેગરો બેફામ
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનને દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો જાણે કંઈ ગણતા જ નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગાંધી જયંતિના દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલે અહીં દરોડા પાડ્યા હતા. ટીમે અહીંથી 50 પેટી જેટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર, અહીં પોલીસની જ રહેમ રાહે અહીં બૂટલેગરો બેફામ બન્યા છે. તેમને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર જ નથી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
દારૂનો વેપલો યથાવત્
સામાન્ય રીતે ગાંધી જયંતિના દિવસને તમામ રાજ્યોમાં ડ્રાય ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જે રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં પણ દારૂની દુકાનો અને દારૂનું વચાણ બંધ રાખવામાં આવે છે. તેમ છતાં ગાંધીના ગુજરાતમાં, જ્યાં આખું વર્ષ દારૂબંધી હોય છે. ત્યાં જ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. એ પણ ગાંધી જયંતિના દિવસે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાંથી આ ઇંગ્લિશ દારૂ ઝડપાતાં પોલીસ માટે તો આ વાત ઘણી શરમજનક છે. જોકે, પોલીસને આ દારૂ અંગે કોઈ બાતમી ન હોય તે વાત માનવામાં નથી આવી રહી.
સરકારના દાવા પોકળ સાબિત થયા
ગુજરાત સરકાર અને સરકારના ગૃહમંત્રી અવારનવાર ગુજરાતમાં ચુસ્તપણે દારૂબંધી હોવાની મોટી મોટી વાતો કરે છે. તેમ છતાં રાજ્યભરમાંથી અવારનવાર દારૂનો જથ્થો ઝડપાય છે, જેના કારણે સમગ્ર સરકાર પર કાળો ધબ્બો લાગે છે. તેમ છતાં આજે પણ અમદાવાદમાંથી દારૂ ઝડપાતા સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.