પાટણ : 11 મે
પાટણવાડા સમાલ ગોળ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત સમાજના દિકરા અને દિકરીઓ માટેના છાત્રાલય તેમજ સમાજના શૈક્ષણિક સંકુલનું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના વરદ હસ્તે ભૂમિપૂજન કરાયું. રૂપિયા ૪ કરોડના ખર્ચે અહીં હોસ્ટેલ તેમજ શૈક્ષણિક સંકુલનું નિર્માણ થનાર છે જેના ભૂમિપૂજન પ્રસંગે લગભગ એક કરોડ જેટલા દાનની જાહેરાત થવા પામી હતી.
આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જુગલજી લોખંડવાલા, ભામાશા તરીકે જાણીતા અને જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બળવંતસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, રણછોડભાઈ દેસાઈ, ગાંધીનગર જિલ્લાના પ્રભારી મોહનભાઈ પટેલ, પૂર્વ મંત્રી નારણકાકા, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહાનુભાવો દ્વારા સમાજના કન્યા અને કુમાર છાત્રાલયના નિર્માણ માટે એમના સાંસદ ફંડમાંથી લાખો રૂપિયાનું ડોનેશન જાહેર કરાયું. આ ઉપરાંત રાજકીય આગેવાનો દ્વારા રૂમના દાનની જાહેરાત કરાઈ.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સમાજની કન્યાઓને ભણાવવા તેમજ શિક્ષિત સમાજના નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કરાયો. આ પ્રસંગે સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.