પાટણ : 5 મે
પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે પાટણના પ્રજાજનો આઝાદી અને સ્વાતંત્ર સંગ્રામને લગતા સાહિત્યથી માહિતગાર થાય તે ઉદ્દેશથી ‘‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ” અંતર્ગત આઝાદી પર્વ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી સંબંધિત સાહિત્યના એક હજારથી વધુ પુસ્તકોનું વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગ્રંથાલય ખાતા દ્વારા પાટણના સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે તા. ૦૧ અને ૦૨ મે દરમ્યાન યોજાયેલા પુસ્તક પ્રદર્શનને પાટણ જિલ્લા અદાલતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એ. હિંગુ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પુસ્તક પ્રદર્શન નિહાળ્યા બાદ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ ગાયત્રી પરિવારના બહેનો દ્વારા યોજાનાર ગ્રંથ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિશુ મંદિર સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ભારત માતા, સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિદ્યાર્થીઓ અને પાટણ શહેરની જનતાએ મોટી સંખ્યામાં પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રંથાલય નિયામક ડૉ. પંકજ ગોસ્વામી, મહેસાણાના મદદનીશ નિયામક બી.એમ. દેસાઈ, જિલ્લા તિજોરી અધિકારી પ્રશાંત રાઠોડ, પાટણ જિલ્લા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ જે. કે. જાળિયા, પી કે કોટાવાલા આર્ટસ કોલેજના લાયબ્રેરીયન ડૉ.વલ્લરી હાથી સહિતના મહાનુભાવો તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.