સુરેન્દ્રનગર : 1 મે
સુરેન્દ્રનગર સર્કીટ હાઉસ ખાતે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિ બાબતે સમીક્ષા બેઠક મળી હતી. તેમાં થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ન મળતુ હોવાની રજૂઆત થઇ હતી. તેના પગલે સ્થળ ચકાસણી કરવા તાકિદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉનાળાની સિઝનમાં નાગરિકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે બેઠકમાં થાનગઢ તાલુકાનાં અમુક ગામોમાં પીવાનું પાણી ના મળવા અંગેની રજુઆતો મળતા સ્થળ ચકાસણી કરવા, થાનગઢ તાલુકાનાં મનડાસર અને વિજળીયા ગામે જી.ડબલ્યુ.આઈ.એલ હસ્તકની બલ્ક પાઈપ લાઈનમાંથી કનેકશન મેળવવા, વઢવાણ તાલુકાના અમુક ગામોમાં નર્મદાનું પાણી નિયમિત અને પુરતાં પ્રમાણમાં આપવા, લખતર શહેરમાં આંતરીક વિતરણ પાઈપલાઈનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે બેઠકમાં જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં તાલુકા કક્ષાએ યોજાયેલી પાણી સમિતિની મિટીંગમાં નવા બોર બનાવવા તથા વિજ કનેકશન માટે જે માંગણી થતાં તે બાબતે વહેલી તકે સ્થળ તપાસ કરી જરૂરી ઠરાવ મેળવી કામગીરી ઝડપથી કરવા પણ પ્રભારી મંત્રીએ તાકીદ કરી હતી.