Home આણંદ આણંદ જિલ્લામાં બાગાયત ખાતાની ફળ – શાકભાજી, પરીક્ષણ અને જાળવણી તાલીમ કાર્યક્રમ...

આણંદ જિલ્લામાં બાગાયત ખાતાની ફળ – શાકભાજી, પરીક્ષણ અને જાળવણી તાલીમ કાર્યક્રમ યોજાશે

આણંદના ખેડૂતોને આઈ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા અપીલ

150
0

આણંદ 

આણંદ જિલ્લામાં બાગાયત ખેતીને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા ફળ – શાકભાજીના પરીક્ષણ અને જાળવણી તાલીમ કાર્યક્રમ યોજાશે. આ અંગે ખેડૂતોને આઈ-પોર્ટલ પર ઓનલાઇન રજી કરવા જણાવવામાં આવ્યું છે.

સરકાર દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વર્ષ 2023-24માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજી કરવા આઇ-ખેડૂત પોર્ટલ 31મી મે,2023 સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. બાગાયતી ઉત્પાદનની લાંબા સમય સુધીની જાળવણી કરવા માટેની પ્રજાજનમાં જાગૃતિ આવે તે માટે બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીની જાળવણી અને તાલીમ કાર્યક્રમ માટેની યોજના કાર્યરત છે. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજીના પરીક્ષણ અને જાળવણી માટે તાલીમ આપવામાં આવે છે.

આ તાલીમનો હેતુ જરૂરીયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેઓને રોજગાર પૂરો પાડવાનો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓને નવા વ્યવસાય થકી નવી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી શકાય છે. આ તાલીમ દરમિયાન બહેનોને ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો જેવી કે વિવિધ પ્રકારના જામ, જેલી, શરબત, મિક્ષ શાકભાજી તેમજ વિવિધ પ્રકારના અથાણા, પપૈયાની ટૂટી ફૂટી, માર્મેલેડ, સ્કોવશ, કોર્ડિયલ, સીરપ, ટોમેટો કેચપ વગેરે અંગેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને “મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઈપેન્ડ)”ની યોજના (100 ટકા મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરૂપે) માં વૃતિકા અને તાલીમ મેળવ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

જેમાં ફળ અને શાકભાજી, પરીક્ષણ અને જાળવણી વિશેના બાગાયત ખાતાના આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતી 18થી 60 વર્ષની વય ધરાવતી મહિલાઓએ યોજનાનો લાભ લેવા માટે ગામના ઇ-ગ્રામ સેન્ટર કોઇ ખાનગી ઇન્ટરનેટ દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, આણંદ કચેરી ખાતે સવારના 11 કલાકથી સાંજના 5 કલાક દરમિયાન આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, ચુંટણીકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે અરજી કરવાની રહે છે. આ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ જરૂરી સાધનિક કાગળો સાથે 10 દિવસમાં તા.જિ. આણંદની બોરસદ ચોકડી પાસેના જૂના જિલ્લા સેવા સદનના ચોથા માળે રૂમ નં. 427 – 429 માં આવેલા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે અચૂક જમા કરાવવાના રહેશે.  આ તાલીમ મેળવનાર મહિલા લાભાર્થીને પ્રતિદિનના રૂ. અઢી સો લેખે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા બાગાયત ખાતાની કચેરીના ફોન નં. 02692-262023 ઉપર ટેલીફોનીક સંપર્ક સાધી શકાશે. તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here