કાલોલ: 1 ફેબ્રુઆરી
કાલોલ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અને દેખરેખના અભાવે ગોબરખાના જેવી ભાસી રહી છે, પાંચ છ વર્ષો પુર્વે બનેલી નવીન મામલતદાર કચેરીના ખુણેખુણા ગંદકીથી ખદબદતા રોજિંદા કામો માટે આવતા ગામડાના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. મામલતદાર કચેરીમાં મહિનાઓથી સાફસફાઈ કરવામાં આવી નહીં હોવાથી સ્વચ્છતાના નામે શૂન્યાવકાશ જોવા મળે છે. તાલુકાની સૌથી મોટી સરકારી કચેરી હોવા છતાં કચેરીમાં અહીં જ્યાં જુઓ ત્યાં ગંદકીની ભરમાર અને કચરાના ઢગલા જોવા મળે છે. મામલતદાર કચેરી એક મહત્વની સરકારી કચેરી અને લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી હોવા છતાં પણ સમગ્ર તંત્રની ઉદાસિનતા અને લાપરવાહીએ ગંદકી સાફ કરવામાં આવતી નથી, ઠેર ઠેર ખુણાઓમાં પાન પડીકીઓની પિચકારીઓથી ખદબદી રહેલા જોવા મળે છે, મહત્વની ફાઇલો અને રેકર્ડ ધરાવતા રૂમમાં ઘુળ અને જાળાં જામી ગયાં છે, સંડાસ બાથરૂમની કોઈ દરકાર રાખવામાં નહીં આવતા આખી કચેરી બદબૂ ફેલાઈ રહી છે, પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી તેવી મામલતદાર કચેરીમાં ગામડાઓમાંથી રોજિંદા કામો લઈ હજારો અરજદારો આવતા હોય છે ત્યારે આ કચેરીમાં સ્વચ્છતા અને સુવિધાઓના અભાવે ભારે હાલાકીઓ ભોગવવી પડે છે, ગામડાઓમાંથી આવતા અરજદારોને કલાકો સુધી બારીઓ પર લાઇન લગાવી ઉભા રહે છે, પરંતુ અરજદારોને બેસવાની પણ કોઈ સગવડ જોવા મળતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કચેરીમાં બેસવાના બાંકડા ફાળવવામાં આવયા હતા જે અત્યારે ખુણે ખાંચરે કચેરીમાં ધૂળ ખાઈ રહ્યા છે. કચેરીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરો જોવા મળે છે. તદ્ઉપરાંત કચેરીમાં દિવ્યાંગો અને મહિલાઓ માટેની સુવિધાઓ પણ ફાળવવામાં આવી હતી પરંતુ પાછલા ઘણા સમયથી મહિલાઓ અને દિવ્યાંગોને પણ હાલાકીઓ ભોગવવી પડે તેવી દારુણ સ્થિતિ સર્જાઇ રહી છે ત્યારે કાલોલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિત વિવિધ વિભાગોના નાયબ મામલતદાર અહીં બેસતા હોવા છતાં સરકારી કચેરીની ખસ્તા હાલત અને દારુણ સ્થિતિ માટે જવાબદાર કોણ એ ઉકેલ માંગતો કોયડો બની ગયો છે. જેથી જવાબદાર તંત્રએ સત્વરે અસરકારક કાર્યવાહી હાથ ધરીને ગંદકી મુક્ત અને લોક સુવિધાઓયુકત બનાવવાની લોકમાંગ ઉઠવા પામી છે.