સુરેન્દ્રનગર: 30 ડિસેમ્બર
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાને લગતા પ્રશ્નોનાં ત્વરિત નિકાલ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના અધિકારીઓ સાથે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના રોડ- રસ્તાના કામોની સમીક્ષા માટે બેઠક યોજાઇ હતી.
નાયબ મુખ્ય દંડકએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના જર્જરિત રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે જેથી વાહનચાલકો અને રાહદારીઓને કોઈ મુશ્કેલી ન પડે તેમજ મુખ્ય રસ્તાઓનું રીપેરીંગ પણ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત જરૂર જણાય ત્યાં સાંકડા રસ્તાઓને પહોળા કરવા તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર નડતરરૂપ બનતા બાવળ- ઝાડીઓનું કટીંગ કામ ત્વરિત હાથ ધરવા જણાવ્યું હતું.
વધુમાં જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ચાલતા વિવિધ કામોની સમીક્ષા કરીને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને રોડ – રસ્તાઓ સંદર્ભે કોઈ અગવડતા ન રહે એટલે રોડ – રસ્તાને લગતા પ્રશ્નોનાં ત્વરિત નિકાલ માટે તેમણે તાકીદ કરી હતી.
આ બેઠકમાં વઢવાણ પ્રાંત અધિકારીશ્રી દીપેશ કેડિયા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર કે. ડી.રાઠોડ તેમજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરશ્રી ભૌમિક કે.બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.