Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ વ્યવસાયકારો સાથે...

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ વ્યવસાયકારો સાથે સંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

174
0
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ

સુરેન્દ્રનગર જિલ્લાના હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ વ્યવસાય જોડે સંકળાયેલ વ્યવસાયકારો સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર સ્થિત પંડિત દિન દયાળ ટાઉનહોલ ખાતે સંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ વ્યવસાય સાથે સંકળાયેલ વ્યવસાયકારો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલીકૃત બનાવવામાં આવી છે. હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ વ્યવસાયકારોને સમર્થ તાલીમ આપવામાં આવે છે, આ તાલીમનો લાભ લઈને આજે ઘણા વ્યવસાયકારો પોતાની ઉત્પાદિત વસ્તુઓનું દેશભરમાં વેચાણ કરી રહ્યા છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો સમન્વય કરીને આ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તેવી વ્યવસ્થા આગામી સમયમાં વિકસાવવામાં આવશે. રાજ્યમંત્રીશ્રીએ વ્યવસાયકારો સાથેના સંવાદ દરમિયાન તાલીમ યોગ્ય મળે છે કે કેમ? વળતર અને લાભો મળે છે? તેવા પ્રશ્નો વ્યવસાયકારોને પૂછીને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં અમદાવાદ વણકર સેવા કેન્દ્રના આસિસ્ટન્ટ ડિરેક્ટર પવન ગુપ્તાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સમર્થ તાલીમ પ્રમાણપત્ર, આર્ટીઝન કાર્ડ અને પહેચાન યોજનાના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી ના ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને પરસોત્તમભાઈ સાબરીયા, અગ્રણી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, મહેન્દ્રભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ પઢીયાર અને હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ભારત સરકારના હેન્ડીક્રાફ્ટ અને વણકર સેવા કેન્દ્ર અમદાવાદના અધિકારીઓ તથા વ્યવસાયકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here