સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ
– બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ
સુરેન્દ્રનગર શહેર અને તેના જિલ્લા અને તાલુકા મથકોમાં હાલમાં ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાના કારણે અનેક યુવાનો રોજગારી અને બેકારીના ભરડામાં પીસાઈ રહ્યા છે. ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અથવા તો પોતાના જીવન સંસાર માટે વ્યાજખોરોના શરણે જઈ અને મોટા વ્યાજે મોટી રકમો લઇ અને વ્યાજ ન ચૂકવી શકવાના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વ્યાજે આપેલા નાણાઓના કારણે નાણાં પરત નહીં કરી શકતા હોવાથી અને વ્યાજ પણ ન ચૂકવી શકતા હોવાના કારણે અંતે વ્યાજખોરોથી ત્રાસી જઈ અને છેલ્લો માર્ગ આત્મહત્યા કરવાનો રહેતો હોય છે.
આજથી પાંચ છ દિવસ પહેલા એસિડની બોટલ પીધી હતી
ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં દરજી પરિવારમાં 45 વર્ષના યુવાને પોતાના ઘરે આજથી પાંચ છ દિવસ પહેલા એસિડની બોટલ પીધી હતી. અને સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ લથડવાના કારણે તેને સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પાંચ છ દિવસની સારવાર કારગત ન નિવડતા આખરે આ યુવાનનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતુ.
યુવાન વઢવાણ શહેરના જીઆઇડીસી ભક્તિનંદન સર્કલની પાસે રહેતો હોવાનું સામે આવ્યું
આ અંગેની જાણવા મળી રહેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના મહાલક્ષ્મી ટોકીઝ પાસે આવેલા વૈદના ઉતારામાં રહેતા હેમાંગ હરેન્દ્રભાઈ ગોહિલ નામનો યુવાન છેલ્લા કેટલાક વર્ષોથી વઢવાણ શહેરના જીઆઇડીસી ભક્તિનંદન સર્કલની પાસે રહેતો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
પરિવારમાં પત્ની અને બે સંતાનો નોંધારા બન્યા છે
ત્યારે હેમાંગ હરેન્દ્રભાઈ ગોહિલ પોતાના ઘરે એસિડની બોટલ પી લઇ અને આત્મહત્યા કરી લેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ નાજુક ગણાતા જેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું છે. ત્યારે પરિવારમાં પત્ની અને બે સંતાનો નોંધારા બન્યા છે.
પરિવારજનોને પણ આ ઘટનાની જાણકારી મળતા ભારે શોકનો માહોલ
ત્યારે હાલમાં આ ઘટનાની આ વિસ્તારમાં જાણકારી મળતા ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે હેમાંગના પરિવારમાં એક ભાઈ જીતુ તેમજ નિપાબેન નામની એક બહેન તેમજ માતા સહિતના પરિવારજનોને પણ આ ઘટનાની જાણકારી મળતા ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે હાલમાં એવું પણ ચર્ચામાં ચાલી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ભારે ત્રાસ હતો. અને મોટી રકમ વ્યાજ લઈ અને ચૂકવી ન શકવાના કારણે વ્યાજખોરોનો ત્રાસ વધુ હોવાના કારણે આખરે પોતે જિંદગીથી કંટાળી અને હેમાંગ ગોહિલને અંતે આ રીતે આત્મહત્યા કરવી પડી છે.