Home સુરેન્દ્રનગર સિધ્ધસર રામજી મંદિરના પૂજારીની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું

સિધ્ધસર રામજી મંદિરના પૂજારીની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું

137
0

સુરેન્દ્રનગર: 7 જાન્યુઆરી


પાટડી તાલુકાના સિધ્ધસર રામજી મંદિરમાં મૂર્તિઓની ચોરીની ઘટના બાદ મંદિરના પૂજારીને આઘાત લાગતા એમણે અન્નજળનો ત્યાગ કરતા તબિયત લથડવાના કારણે કોમામાં સરી પડ્યાં બાદ સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આજે સિધ્ધસર ગામના મંદિરના પૂજારીની અંતિમ યાત્રામાં આખુ ગામ હિબકે ચઢ્યું હતુ. જ્યારે ચોરાયેલી મૂર્તિઓ હજી પોલીસ મથકમાં છે, ત્યારે હાલ કમુરતા ચાલતા હોઇ મંદિરમાં ભગવાનનો ફોટો મૂકી સવાર સાંજ ગ્રામજનો વારાફરતી આરતી કરે છે.

પાટડી તાલુકાના સિધ્ધસર રામજી મંદિરમાં મૂર્તિઓની ચોરીની ઘટના બાદ પોલીસ રીઢા ચોરને ઝબ્બે કરવા અલગ અલગ ટીમો બનાવી આકાશ પાતાળ એક કરી રહી છે. જ્યારે આ ચોરી કેસમાં રોજ નવા નવા ફણગા ફુટતા પોલીસ તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે. સિધ્ધસર ગામના રામજી મંદિરમાં મૂર્તિઓની ચોરી બાદ ગ્રામજનો રોસે ભરાયા હતા. અને આ મંદિરના પૂજારી મયારામભાઇ રામાનંદીએ મંદિરની મૂર્તિઓ ચોરાતા આઘાતમાં અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. જેમાં બીજા દિવસે એમની તબિયત લથડતા એમને સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓ કોમામાં સરી પડ્યાં બાદ છેલ્લા એક અઠવાડિયાથી વેલ્ટિનેટર પર હોઇ 5મી જાન્યુઆરીની રાત્રે એમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

શુક્રવારે એમના પરિવારજનો દ્વારા એમના મૃતદેહને સિધ્ધસર ગામે લાવી મંદિરની સામે જ મુકવામાં આવતા આખુ ગામ હિબકે ચઢ્યું હતુ. અને પરિવારજનોના રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગિનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. અને હાજર સૌ ગ્રામજનોના આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. બાદમાં મંદિરની નિકળેલી એમની અંતિમ યાત્રામાં આખુ સિધ્ધસર ગામ જોડાયું હતુ. અને ભગવાન શ્રીરામના નારા સાથે એમની અંતિમ યાત્રા નિકળી હતી. બીજી બાજુ રામજી મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિઓ હજી પોલીસ મથકમાં છે, ત્યારે ગ્રામજનો હાલ કમુરતા ચાલતા હોઇ મંદિરમાં ભગવાનનો ફોટો મૂકી સવાર સાંજ વારાફરતી આરતી કરે છે.

સિધ્ધસર ગ્રામજનોની આસ્થા સાથે જોડાયેલા આ કિસ્સામાં મંદિરમાં મૂર્તિઓની ચોરીની ઘટના બાદ આઘાતમાં સરી પડેલા મંદિરના પૂજારી મયારામભાઇના અકાળે મોતથી એમના પરિવારજનો સહિત આખુ ગામ આઘાતમાં છે. આ ચોરીની ઘટનામાં રીઢો ચોર પકડાયા બાદ મૂર્તિ ખંડીત તો નથીને એ તપાસ કર્યા બાદ જ મૂર્તિઓ ગ્રામજનો સ્વિકારવા મક્કમ છે. હાલ મંદિરમાં ભગવાનનો ફોટો મૂકી સવાર સાંજ ગ્રામજનો આરતી કરે છે.

સિધ્ધસર ગામમાં રામજી મંદિરમાં મૂર્તિઓની ચોરીની ઘટના બાદ પોલીસ આરોપીને ઝબ્બે કરવા આકાશ પાતાળ એક કરી રહી છે. છતાં આ કેસમાં ગામમાં અને લોકોમાં ચોરને બદલે પોલીસ વિલન હોય એવો માહોલ જોવા મળી રહ્યો હોવાનું પોલીસ વિભાગના સ્ટાફે નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ. કેટલાંક લોકો કહે છે કે, આ ચોર સિધ્ધસરની આજુબાજુની સીમમાં છુપાયેલો છે. પોલીસે રાત-દિવસ ભૂખ્યા અને તરસ્યા રહીને આખો વિસ્તાર ખુંદી નાખ્યો છે. પણ સિમ વિસ્તારમાં કોઇએ આરોપીને ભાળ્યો હોય એવી કોઇ બાતમી પણ કોઇ આપતું નથી.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here