પાટણ : 4 મે
પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામ ખાતે કાર્યરત ધરતી ગ્રામ સંગઠનને રૂ.15 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ પાટણ જિલ્લાના 06 ગ્રામ સંગઠનોને રૂા.59.00 લાખનું કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે. જે પૈકી ધરતી ગ્રામ સંગઠનને રૂ.15 લાખનો ચેક મુખ્યમંત્રીના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાટણ સહિત રાજયના વિવિધ જિલ્લાના સખી મંડળો દ્વારા પાટણના પ્રખ્યાત દેવડા, ગોળની રેવડી, પટોળા, કચ્છી ભરતકામ, સિલ્ક અને મશરૂની આઈટમ, ઈમીટેશન જવેલરી, મુખવાસ, ખાખરા, લાકડા અને માટીના રમકડાં, મસાલા અને અથાણા સહિતની હેન્ડીક્રાફટ અને હાથ બનાવટની આઈટમોના વેચાણ માટે જી.એલ.પી.સી. અને કુટિર ઉદ્યોગ દ્વારા 76 જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે આ પ્રાદેશિક મેળાની મુલાકાત લઈ આગામી તા.07 મે સુધી ચાલનારા આ મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ પ્રાદેશિક મેળામાં પાટણના પ્રખ્યાત દેવડા, ગોળની રેવડી અને ચાનો સ્વાદ પણ માણ્યો હતો. સાથે જ પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, વિવિધ પદાધિકારીઓ તથા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને શહેરીજનોએ પ્રાદેશિક મેળાની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ પ્રાદેશિક મેળાની મુલાકાત દરમ્યાન સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓ ખરીદી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ”વોકલ ફોર લોકલ” સૂત્રને સાર્થક કરવા આહવાન કર્યું હતું. તેમ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષીની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.