પંચમહાલ : 9 ઓગસ્ટ
આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ગોધરા શહેરના સાંપા રોડ ખાતે આવેલી ભક્તિનગર ખાતે આવેલા વિશાળ મેદાન પર આદિવાસી વિકાસ ફાઉન્ડેશન,ગોધરા દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ગોધરા તેમજ આજુબાજુમાં વસતા વિશાળ આદિવાસી સમાજના ભાઈઓ,બહેનો,બાળકો અને વૃદ્ધો દ્વારા ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયીક રક્ષણ માટે દર વર્ષે ૯ મી ઓગષ્ટ નાં દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે.આદિવાસીઓની રહેણી ,કરની, ખાન પાનની આદતો,રિવાજો,પહેરવેશ વગેરે અન્ય લોકોથી અલગ છે.આદિવાસી સમુદાયના લોકો વિશ્વના ૯૦ થી વધુ દેશોમાં રહે છે.
વિશ્વમાં આદિવાસી સમુદાયની વસ્તી આશરે ૩૭ કરોડ છે.વિશ્વમાં લગભગ ૫૦૦૦ વિવિધ આદિવાસી સમુદાય છે અને લગભગ ૭ હજાર ભાષાઓ છે.આ બધું હોવા છતાં આદિવાસી લોકોને પોતાના અસ્તિત્વ,સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે.ગોધરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે સમાજના અગ્રણીઓ ડો.કનુભાઈ ચંદાના,દેવજીભાઈ ડામોર,નાથુભાઈ તડવી, તેમજ અનેક નામી અનામી આગેવાનો ની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિતે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ કે જેવો મેડિકલ,આયુર્વેદ,આઇ. એ.એસ,આઇ.પી.એસ તેમજ અન્ય શૈક્ષણિક કારકિર્દી સાથે સમાજનું નામ રોશન કરતા તારલાઓનું તેમજ સમાજ પ્રત્યે ઉમદા કામગીરી કરી રહેલા અને કરી ચૂકેલા લોકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આદિવાસી સમાજના સરપંચો,તાલુકા ડેલીગેટ,જિલ્લા ડેલીગેટ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આદિવાસીનાં ઉજ્જવળ ભવિષ્યના બીજ રોપનારા આદિવાસી ગણનાયકો ભગવાન બિરસા મુંડા,ગુરુ ગોવિંદ,રાણા પૂંજા ભીલ તેમજ અનેક પ્રતિભાઓ ને યાદ કર્યા હતા.તેમજ આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકર ને પણ યાદ કરી તેઓ દ્વારા આદિવાસીઓના વિકાસ,અધિકારોની વાત કરવામાં આવી હતી તેમજ અગ્રણીઓ દ્વારા સમાજ ને લગતા અનેક વેધક પ્રશ્નો મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને ગુજરાત ના દરેક જિલ્લામાં આદિવાસી ભવન બનાવવાની વાત ને પ્રસ્થાપિત કરી હતી.
આ પ્રસંગે સ્વીટુ ડામોર નામની યુવતી એ આદિવાસી સમાજને જાગૃત થવા તેજાબી ભાષણ દ્વારા પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.તેમજ આદિવાસી સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા,દુષણો દૂર કરવા, આધ્યાત્મિક માર્ગો પર જવાની તેમજ સમાજ ને લગતા અનેક તલસ્પર્શી પ્રશ્નો ને ઉજાગર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે સભા સ્થળે સર્વરોગ આયુર્વેદ તથા ક્ષય નિવારણ કેન્દ્ર,ગોધરા અને એલોપેથી નિદાન ચિકિત્સા કેમ્પ તેમજ પ્રેસા ડેન્ટલ કેર ગોધરા દ્વારા કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું.વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે દરુંનિયા,દયાળ કાંકરા, કંકુથાભલા,ગોવિંદી તેમજ અન્ય ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં સમેલિત થયા હતા.ત્યારબાદ વિશાળ જનમેદની દ્વારા સભા સ્થળથી વિશાળ સાંસ્કૃતિક મહારેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જેમાં આદિવાસી સમાજના પારંપરિક વેશભૂષામાં સજ્જ લોકો તેમજ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા પારંપરિક વાંજીત્રો,ડી.જે નાં સથવારે એકદમ શિસ્તમાં રહી મહારેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જેમાં લોકો મન ભરી આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરતા જય જોહાર, જય આદિવાસીના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.જે મહારેલી શહેરના લુણાવાડા રોડ, ભુરાવાવ ચાર રસ્તા,બસ સ્ટેન્ડ,બામરોલી રોડ થઈ વાવડી ખાતે આવેલી સત્યમ સોસાયટી ખાતે ભવ્ય ઉજવણી સાથે પૂર્ણ થઈ હતી.આ મહારેલી પ્રસંગે વિવિધ સ્થળોએ અન્ય સમાજના આગેવાનો,રાજકીય પાર્ટીઓના નેતાઓ, દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રેલી દરમિયાન આદિવાસી સમાજ દ્વારા એકતા,ભાઈચારા અને શિસ્ત સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મોરવા હડફ તાલુકાના મોરા ખાતે આવેલા એ.પી.એમ સી.નાં પટાંગણમાં આદિવાસીઓની પડખે સદા,સર્વદા ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં અનેકવિધ વિકાસલક્ષી કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિત્રણનનો કાર્યક્રમ તેમજ ઝાલોદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર જીવંત પ્રસારણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજયકક્ષાનાં મંત્રી આદિજાતિ વિકાસ,તબીબી શિક્ષણ વિભાગના નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.જેમાં પંચમહાલ જિલ્લાના સાંસદ, ધારાસભ્યો,અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.