પાટણ : 12 મે
પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે દલિત પરિવારનાં ત્યાં આયોજિત લગ્ન પ્રસંગે યોજવામાં આવેલ વરઘોડા ઉપર ગામના ઠાકોર સમાજના કેટલાક લોકોએ ઉશ્કેરાઇ જઇ પથ્થરમારો કરતા દોડધામ મચી જવા પામી હતી.આ બનાવ માં ચાર મહિલા સહિત વરરાજા ઇજાગ્રસ્ત બન્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ભાટસણ ગામે દોડી આવી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢી જાનને પ્રસ્થાન કરાવી સમગ્ર ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
એક તરફ સરકાર સમરસતા ની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે હજું પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છુત અછુત ના ભેદભાવ આજે પણ જોવા મળી રહ્યા છે.તેનો તાદશ દાખલો ગુરૂવારે સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં જોવા મળ્યો હતો
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે રહેતા રામજીભાઈ પરમાર ના દિકરા વિજ્ય નાં ગુરૂવારના રોજ લગ્ન હોય સવારે ૯ વાગ્યાના સુમારે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો અને ગામમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઠાકોર સમાજના કેટલાક લોકોએ ઉશ્કેરાઈ જઈ જાતિ વિરુદ્ધ અપમાનિત શબ્દો બોલી વરઘોડા ઉપર પથ્થરમારો કરતા દોડધામ મચી જવા પામી હતી.આ ઘટનામાં ચાર મહિલા તેમજ વરરાજા અને તેમની માતાને ઈજાઓ થવા પામી હતી.આ ઘટનાની જાણ પોલીસને થતાં પીએસઆઇ સહિતનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં વરઘોડો કાઢી જાનને પ્રસ્થાન કરાવી હતી ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ બનાવ અંગે વાગડોદ પીએસઆઈ એ.એમ ચૌધરીએ જણાવ્યું હતું કે સવારે નવ વાગ્યાની આસપાસ ગામમાં દલિત પરિવાર દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ગામના જ ૮થી ૧૦ જેટલા ઠાકોર સમાજના યુવકોએ પથ્થરમારો કર્યો હતો જેની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત પરિવાર નો વરઘોડો ગામ માં કાઢી જાનને પ્રસ્થાન કરાવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગામમાં જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે હજી સુધી આ બાબતે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નનો પ્રસંગ પૂર્ણ થયા બાદ દલિત પરિવાર દ્વારા પથ્થરમારો કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.