આણંદ: 24 ડિસેમ્બર
બોરસદના કંસારી ગામ પાસે ગુરૂવારના રોજ અજાણી મહિલાની કહોવાઇ ગયેલી લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા 50 વર્ષિય આશારની અને સપ્તાહ પહેલા મોત થયાનું જણાયું હતું. વધુ તપાસ માટે પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. આ અંગે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
બોરસદ શહેરના કંસારી ગામ તરફ જતાં રસ્તા પર આવેલી કેજીએન હોટલ પાસે ખેતરના ઝાડી ઝાંખરમાંથી ગુરૂવારના રોજ લાશ હોવાની ખબર પોલીસને મળી હતી. આથી, પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. ગોહિલ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, અત્યંત કહોવાઇ ગયેલી લાશને મહામહેનતે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી. ડોક્ટરના અભિપ્રાય મુજબ પાંચથી સાત દિવસ પહેલા મહિલાનું મોત થયું હતું અને તેની અંદાજીત 50 વર્ષની ઉંમર કહી શકાય. જોકે, મૃત્યું ક્યા સંજોગોમાં થયું ? તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. હાલ બોરસદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે તપાસ અધિકારી ડી.આર. ગોહિલે જણાવ્યું હતું કે, મૃતદેહના નિરીક્ષણ દરમિયાન કોઇ દેખીતા ઇજાના નિશાન જોવા મળ્યાં નથી. હાલ મહિલાની ઓળખ માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે. જ્યારે મૃત્યું કેવી રીતે થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.