ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત આગળ વધી રહી છે. જેના પગલે સમગ્ર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓની સાથે લોકોને સતર્ક કરી સ્થળાંતર કરાઇ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની હાલની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, 15 તારીખે બપોરે વાવાઝોડું માંડવીથી લઇને કરાંચીની વચ્ચે વાવાઝોડું ટકરાવવાની શક્યતા છે. વાવાઝોડું લગભગ જખૌ બંદરની આસપાસથી પસાર થશે.
મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી ટકરાશે ત્યારે તેની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. તેના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આજથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર અને દ્વારકામાં અતિ ભારે વરસાદ અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે. જેના લીધે માછીમારોને 16 તારીખ સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ છે.
ગુજરાતના અન્ય ભાગો પર વાવાઝોડાની અસર વિશે તેમણે જણાવ્યું કે, જેમ-જેમ વાવાઝોડું ટકરાશે તેની હલચલ નોર્થ-નોર્થ ઇસ્ટ છે. એટલે કે, વાવાઝોડું ટકરાયા બાદ પણ તેની મુવમેન્ટ રાજસ્થાન તરફ બતાવી રહી છે. તેના લીધે નોર્થ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની હાલની ગતિ વિશે વાત કરતાં કહ્યું કે, છેલ્લા 6 કલાકમાં વાવાઝોડાની મુવમેન્ટ 10 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. કાલની સરખામણીએ પવનની ગતિમાં થોડો ધટાડો થયો છે. આજે પવનની ગતિ 150થી 160 કિમી પ્રતિ કલાક રહેશે.