Home પાટણ પાટણમા રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં 1 લાખ 55 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી

પાટણમા રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં 1 લાખ 55 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી

142
0

પાટણ : 5 ઓગસ્ટ


પાટણમાં આજકાલ કોઈને પુછીએ કે રજાના દિવસે ક્યા જવું છે તો સૌ પ્રથમ એક જ જવાબ મળે કે, રિજીયોનલ સાયન્સ સેન્ટર જવું છે. પાટણનું આ રિજીયોનલ સાયન્સ સેન્ટર આજકાલ માત્ર પાટણના લોકો માટે જ નહિ પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતના સ્થાપના દિવસે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 1 મે 2022 થી 31 મી જુલાઈ 2022 સુધીમાં કુલ 1 લાખ 55 હજાર પ્રવાસીઓ આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચુક્યા છે જે ખરેખર આ સેન્ટરની લોકપ્રિયતા બતાવી રહ્યુ છે.

1 મે 2022 ગુજરાત સ્થાપના દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન બાદ રિજીયોનલ સાયન્સ સેન્ટરને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં આ એક માત્ર સાયન્સ સેન્ટર હોવાથી શાળાના બાળકો, વડીલો, નાના-મોટા તમામ લોકોને સાયન્સ સેન્ટર આકર્ષે છે. ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે કારણ કે મુલાકાતીઓમાં 50 ટકા જેટલા બાળકો જ હોય છે. છેલ્લા 3 મહિનાના આંકડા પરથી સાબિત થાય છે કે સાયન્સ સેન્ટરની મુલાકાત બાળકો ખુબ લઈ રહ્યા છે. દરરોજના મુલાકાતીઓની સંખ્યા પર નજર કરીએ તો રોજના સરેરાશ 1500 થી 2000 પ્રવાસીઓ મુલાકાતે આવે છે. રવિવારની રજાના દિવસે આ આંકડો વધીને 5000ને પાર પહોંચી જાય છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકરમાં ફેલાયેલું છે, જેની પાછળ અંદાજે કુલ 100 કરોડનો ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. આ સાયન્સ સેન્ટરમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ (કેમેસ્ટ્રી) ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે. એના પછી 5-ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થા પણ છે તદઉપરાંત 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બાળકોમાં ટેક્નોલોજીના જ્ઞાનમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે સાયન્સ સેન્ટરમાં વિવિધ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરનાં મુખ્ય આકર્ષણની વાત કરીએ તો 5D થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી, ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન ટનલ વગેરે છે. દર અઠવાડિયે, આ સાયન્સ સેન્ટર તેના ઓડિટોરિયમમાં 3 થી 4 પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તેના સાયન્સ એક્ઝિબિશન હોલમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે.

સાયન્સ સેન્ટરની મુલાકાતે આવેલા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી શાળા અરવલ્લીના આચાર્ય નિનામા અશ્વિનભાઈ જણાવે છે કે બાળકો માટે ખુબ જ ઉપયોગી એવા આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈને અમને તેમજ બાળકોને ખુબ જ આનંદ થયો છે. સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યુ તે ખુબ જ સરાહનીય ગણી શકાય.

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓમાં મુખ્યત્વે પાટણ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, સુરત, અમદાવાદ, ગાંધીનગરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. સાયન્સ સેન્ટરના પ્રવાસીઓ જ્યારે મુલાકાત લેવા આવે છે ત્યારે ત્યાં પ્રવેશદ્વારમાં જ મસમોટા ડાયનાસોર્સ પ્રવાસીઓના આકર્ષણનું કારણ બને છે. બાળકો તો આ ડાયનાસોર્સ જોઈને અત્યંત આનંદમાં આવી જાય છે. માત્ર 3 મહિનામાં મુલાકાતીઓની સંખ્યા આટલી વધી ગઇ છે તો આવનારા સમયમાં પ્રવાસીઓનો ધસારો વધું રહશે તેવી શક્યતાઓ લાગી રહી છે.

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here