પાટણ : 23 ઓગસ્ટ
પાટણમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસદને કારણે નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે તો બીજી તરફ પાટણ સિધ્ધપુર હાઈવે રોડ ઉપર મુસાફરો માટે બનાવવામાં આવેલું હંગામી નવું બસ સ્ટેશન માત્ર અઢી ઇંચ વરસાદમાં બેટમાં ફેરવાયું છે જેને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે છેલ્લા ચાર વર્ષથી દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં એસટી વિભાગ , વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેને લઇ મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે પાટણમાં ગત મોડી રાતથી વરસાદની ચોથી ઇનિંગ શરૂ થઈ છે બીજા દિવસે સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું.પાટણ ખાતે નવા અધ્યતન એસટી બસપોર્ટ નિર્માણ કરવાની કામગીરી છેલ્લા ચાર વર્ષથી મંથરગતિએ ચાલી રહી છે . અને તે ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલના તબક્કે અશક્ય છે . નવજીવન ચાર રસ્તા હાઇવે નજીક હંગામી બસ સ્ટેન્ડ’કાર્યરત કરવામાં આવ્યું છે પણ આ બસ સ્ટેન્ડ ખાડામાં બનાવ્યું હોવાથી દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડતા જ સમગ્ર બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાઈ જાય છે ત્યારે ગત મધ્યરાત્રી થી શરૂ થયેલ અનરાધાર અઢી ઇંચ વરસાદને કારણે આ બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું છે જેને કારણે મુસાફરોની હાલત દયનિય બની છે મુસાફરોને ઢીચણસમા પાણીમાં પસાર થઈને બસ સ્ટેન્ડમાં આવવાની અને બસમાં ચડવા ઉતરવાની ફરજ પડી છે .