સુરેન્દ્રનગર: 13 ઓગસ્ટ
દેશને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેની ઉજવણીનાં ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં સહભાગી થવાનું આહવાન કર્યું છે. ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત એક કરોડ ઘર ઉપર રાષ્ટ્રધ્વજ-તિરંગો લહેરાવવાનાં નિર્ધાર સાથે રાજ્ય સરકારે વ્યાપક આયોજન કર્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચ લાખ તિરંગા ફરકાવવાના લક્ષ્ય સાથે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દરેક લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આવો જ એક પ્રયત્ન ધ્રાંગધ્રા તાલુકામાં કરવામાં આવ્યો છે. લોકો હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર જોડાય તે માટે ધાંગધ્રા તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં દિવાલો પર તિરંગાનાં મહત્વ, રાષ્ટ્રપ્રેમને લગતા વિવિધ વાક્યો-સૂત્રોનાં પેઇન્ટિંગ દ્વારા દરેક ઘરે તિરંગો લહેરાવા માટે ગામ લોકોને અપીલ કરવામાં આવી છે.