સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ
માટલા દોડ, સ્લો સાયકલીંગ, લંગડી, નાળિયેર ફેંક અને ખાંડના લાડુ આરોગવા, સ્ટ્રોંગેસ્ટમેન, રસ્સા ખેંચ, સાતોડી સહિતની રમતો આકર્ષણનું કેન્દ્ર બનશે
૨ લાખથી વધુના ઇનામો પ્રોત્સાહનરૂપે અપાશે
મેળો એટલે હળવું-મળવું, નિયત કરેલા સ્થળે ભેગા થવું અને સામુદાયિક જીવનનો આનંદ માણવો. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મેળાનો અનેરો મહિમા છે. દરેક મેળાની સાથે ધાર્મિક- ઐતિહાસિક મહાત્મય અને જે-તે સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલો જોવા મળે છે. ગ્રામ્ય સ્તરે મેળો એક ઉત્સવ બની ગયો છે, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ઉમંગભેર ભાગ લે છે. આસપાસના ગામના સૌ કોઈ આવે અને સાથે મળી નૃત્યો, ડાયરા, ગીત-સંગીત, ખાણી-પીણીના બજારો, અવનવી વસ્તુઓની ખરીદી, રમત-ગમતની સ્પર્ધાઓ સહિતની પ્રવૃત્તિઓનો આનંદ માણે અને અનેક મજાની સ્મૃતિઓ લઈને ઘરે જાય. ગુજરાતમાં આશરે ૧૫૧૭ મેળાઓ ભરાય છે.જેમાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ૪૨૫ મેળાઓ યોજાય છે. ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમા વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો અનેક આકર્ષણો ધરાવે છે. મેળાના પરંપરાગત આકર્ષણો ઉપરાંત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતે આ મેળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન ઉમેરી એક છોગુ મેળાની કલગીમાં ઉમેર્યું છે, જેનું મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જોવા મળે છે. કોરોના મહામારી પહેલા વર્ષ ૨૦૧૯માં યોજાયેલ મેળામાં પણ ૨૦૦૦ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્ષ ૨૦૦૪થી ગ્રામીણ ઓલમ્પિકસની શરૂઆત કરવામાં આવી છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને તેના તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી જિ-સુરેન્દ્રનગર દ્વારા આ વર્ષે પણ ૧૭મા ગ્રામીણ ઓલમ્પિકસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં ૧૨ વર્ષથી નાના શાળામાં અભ્યાસ કરતા બાળકોની રમતોમાં લંગડી, ૧૬ વર્ષથી નાના શાળામાં અભ્યાસ કરતા બાળકોની રમતોમાં ૨૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ૩૦૦૦ મીટર દોડ, લાંબી કૂદ, દોરડા કુદ, સ્લો સાયકલીંગ વગેરેનો સમાવેશ થાય છે. ભાઇઓ માટેની ઓપન વિભાગની રમતોમાં ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લાંબીકુદ, રીલે દોડ, કુસ્તી, કબડ્ડી, વોલીબોલ જેવી જાણીતી અને પરંપરાગત રમતો તેમજ નાળિયેર ફેંક, સ્ટ્રોંગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, રસ્સા ખેંચ, સાતોડી વગેરે જેવી હટકે અને દેશી રમતોનો સમાવેશ થાય છે. મેળાના મુલાકાતીઓ માટે આ પ્રકારની દેશી રમતોનું વિશેષ આકર્ષણ જોવા મળે છે.
બહેનો માટે ઓપન વિભાગની રમતોમાં ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લાંબીકુદ, રિલે દોડ, માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ બધી રમતોમાં પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમે આવનાર વિજેતા ખેલાડીઓને રૂ. ૮,૦૦૦/-, રૂ.૬,૦૦૦/-, રૂ. ૫,૦૦૦/- તેમજ રૂ. ૫૦૦/- પ્રોત્સાહક ઈનામો એનાયત કરવામાં આવશે. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પાર્થ ચૌહાણના જણાવ્યા મુજબ અમરેલી, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાંથી રમતવીરો ગ્રામીણ ઓલિમ્પિકમાં રસ દાખવી રહ્યા છે.
ખેલાડીઓ સ્પર્ધાના દિવસે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. મેળામાં લાખો મુલાકાતીઓ આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ માટે પોતાની ખેલ પ્રતિભા દર્શાવવા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ આ સ્પર્ધાઓના આયોજન પાછળ રહેલો છે. તેમણે ઉમેર્યું હતું કે ઓલિમ્પિક માટે રમતના મેદાનો બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.જેમાં કબડ્ડી માટે ૪ મેદાનો, વોલીબોલ માટે ૨, કુસ્તી માટે ૧ મેદાન બનાવવામાં આવી રહ્યા છે. તા. ૩૦ના રોજ ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લાંબીકુદ, સ્લો સાયકલીંગ, લંગડી, દોરડા કુદની સ્પર્ધા, જ્યારે તારીખ ૩૧ના રોજ માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોંગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, રસ્સા ખેંચ, સાતોડી,નારિયેળ ફેંક અને તારીખ ૧ના રોજ કુસ્તીની સ્પર્ધા યોજાશે.