Home સુરેન્દ્રનગર કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ બોરણા ગામે આંગણવાડી...

કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ બોરણા ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી

86
0

સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ


એકપણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપતા કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા

જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

કેન્દ્રીય આયુષ મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી તાલુકાના બોરણા ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે બાળકોએ દેશનું ભવિષ્ય છે. દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકો તંદુરસ્ત અને સશક્ત હોય તે આવશ્યક છે. બાળકો તંદુરસ્ત રહે તે માટે તંદુરસ્ત ખોરાક એટલે કે તમામ વિટામિનો, પોષકતત્વોથી ભરપુર ખોરાક આપવો જોઈએ. તેમણે બાળકોના આરોગ્ય વિશે વિગતવાર વાત કરતા એક પણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી.


આ પ્રસંગે પ્રાસંગિક સંબોધન કરતા કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પ્રજાલક્ષી અને વિકાસ કાર્યોને વેગ આપી રહી છે. સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યનો એક પણ નાગરિક યોજનાકીય લાભથી વંચિત ના રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. વધુમાં મંત્રીશ્રીએ આંગણવાડીના બાળકો માટે વ્હાલ દર્શાવતા ચોકલેટોનું વિતરણ કર્યું હતું. મંત્રીશ્રી એ આંગણવાડી ભોજનની ચકાસણી કરી ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે માતૃશક્તિ યોજના અંતર્ગત ધાત્રી માતાઓ અને અતિ કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરાયું હતું.


આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કૃષ્ણપાલસિંહ રાણા, તાલુકા પંચાયત સદસ્યશ્રી કાળુભાઈ, બોરણા સરપંચશ્રી દોલુભા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પાંચાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, અગ્રણી સર્વશ્રી રઘુભાઈ, મફાભાઈ, ભરતભાઈ, નારુભાઈ, દાનુભાઈ તથા આંગણવાડી બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલસચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here