Home કાલોલ કાલોલમાં કેસરીયા બ્રિગેડના શક્તિ પ્રદર્શનની જંગી જનમેદની સાથે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે...

કાલોલમાં કેસરીયા બ્રિગેડના શક્તિ પ્રદર્શનની જંગી જનમેદની સાથે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું

137
0

કાલોલ: 14 નવેમ્બર


ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સૈનિક ગ્રાઉન્ડથી મામલતદાર કચેરી સુધી ભાજપે ભગવા પરચમનો પ્રભાવ રેલાવતી વિશાળ રેલી યોજી

કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે સોમવારે પ્રથમ ભાજપના ઉમેદવાર તરીકે ફતેસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કાલોલ વિધાનસભા બેઠક પર પાછલા ૨૫ વર્ષથી ભાજપનું પ્રભુત્વ જોવા મળે છે જેથી ૨૦૨૨માં ફરીએકવાર પક્ષનું પ્રભુત્વ અકબંધ રાખવા માટે ભાજપના ઉમેદવાર તરીકે ઘોઘંબા તાલુકાના પૂર્વ ધારાસભ્ય એવા જુના જોગી ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી ત્યારે પ્રથમ દિવસે કાલોલ ઘોઘંબા ભાજપ સંગઠન વચ્ચે કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો હતો પરંતુ છેવટે ભાજપના મોવડી મંડળને ઈશારે બન્ને વચ્ચેની ખાટીમીઠી વૈમનસ્યતા દુર કરીને પાર્ટી સર્વોપરી હોવાના આદેશ સાથે ચોવીસ કલાકમાં ગિલે શિકવે ભુલીને કાલોલ અને ઘોઘંબા તાલુકાના સંગઠનોને એક સાથે જોડાઈને પ્રચારના મેદાનમાં ઉતરી પડ્યા હતા જે મધ્યે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાલોલ શહેરના આર્મી ગ્રાઉન્ડ પર હજારોની સંખ્યામાં કાલોલ અને ઘોઘંબા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.

આર્મી ગ્રાઉન્ડથી મામલતદાર કચેરી સુધીની રેલીમાં ડીજેના તાલ સાથે ભાજપની પતાકાઓ લહેરાવતા, ભાજપના નારાઓ ગુંજાવતી ભવ્ય રેલી યોજીને દબદબાભેર મામલતદાર કચેરી ખાતે પહોંચી કાલોલ વિધાનસભા બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી અમિતા પારઘી સમક્ષ ફતેસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે ભાજપના ડમી ઉમેદવાર તરીકે ગિરવતસિંહ પરમારે ફોર્મ ભર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ફતેસિંહ ચૌહાણના સમર્થનમાં ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલ મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, તાજના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા સહિતના ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉમેદવારી ફોર્મ ભર્યા પછી ફતેસિંહ ચૌહાણે પોતાની પાર્ટીના દરેક હોદ્દેદારો અને કાર્યકરો પોતાની સાથે હોવાના વિશ્વાસથી ભવ્ય લીડથી જીતવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here