સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમંગપૂર્વક ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની થીમ હેઠળ સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌએ ‘શલભાસન’,’મકરાસન’, ‘અર્ધઉષ્ઠાસન’, ‘ઉત્તાનમંડૂકાસન’, ‘વક્રાસન’, ‘ભૂજંગાસન’ જેવા વિવિધ આસનોથી સામૂહિક યોગ દ્વારા ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ તકે સ્વામિનારાયણ દ્રોણેશ્વર ગુરુકુળની વિદ્યાર્થીનીઓએ યોગ નિદર્શન કર્યુ હતું સાથે જ ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું.
PM મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણાં ઋષિમુનિઓએ કહ્યું છે કે જે જોડે છે તે યોગ છે. યોગનો પ્રચાર આ જ વિચારનો વિસ્તાર છે. યોગના આ વિસ્તારનો અર્થ છે ‘વસુધૈવ કુટુમ્બકમ’. જે લોકો યોગ સાથે વર્ષોથી જોડાયા છે. તેમણે યોગની ઊર્જા અનુભવી છે. ભારતે હંમેશા જોડવાનું કામ કર્યુ છે. નવા વિચારોનું સ્વાગત કર્યું છે. યોગ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. કર્મમાં કુશળતા જ યોગ છે. યોગ દ્વારા આંતરવિરોધોને ખતમ કરવાના છે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની છે. જ્યારે મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યુ હતું કે, યોગ એ હવે વૈશ્વિક આંદોલન બની ચૂક્યું છે. નિયમિત યોગાભ્યાસથી તણાવમુક્ત અને નિરોગી જીવન જીવી શકાય છે.
આ તકે નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા,જિલ્લા રમત અધિકારી કાનજી ભાલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા સહિત અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહભાઈ પરમાર સહિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ-કર્મચારીઓ અને વિવિધ અગ્રણીઓ તેમજ શહેરીજનો પણ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતાં.